ભારતના અવાજ માટે લડું છું : કોઈ પણ ભોગ આપવા તૈયાર છું : રાહુલ
- 'સત્ય કહેવાની કિંમત રાહુલ ચુકવે છે' : સિંઘવી
- 2019ના માનહાની કેસમાં અપરાધી ઠર્યા પછી સાંસદપદ જતાં રાહુલ ગાંધીના લોખંડી પ્રત્યાઘાતો
નવી દિલ્હી : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ ભારતના અવાજ માટે લડે છે અને તે માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર છે, ૨૦૧૯ના માનહાની કેસમાં અપરાધી ઠર્યા પછી તેઓનું લોકસભાનું સભ્યપદ રદ્દ કરાયું હતું અને તેઓને ગૃહમાંથી બહાર જવા કહેવામાં આવ્યું, તે પછી ટ્વિટર ઉપર કરેલા એક પોસ્ટમાં તેઓએ જણાવ્યું હતું કે, 'હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું અને તે માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર છું.'
રાહુલને લોકસભા સચિવાલય દ્વારા અપાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે નીચલા ગૃહ અંગેના સંવિધાનમાં આર્ટિકલ ૧૦૨(૧)(ઇ) તે લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૮ સાથે વાંચતાં તમો સંસદના સભ્યપદેથી દૂર થાવ છો. પરિણામે કેરલનાં વાયનદના એ સાંસદને સભાગૃહ છોડી જવું પડયું હતું. સાંસદપદ ગુમાવી દીધું હતું તેથી વાયનદમાં પેટા ચૂંટણી પણ યોજાવાની શક્યતા છે. જોકે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તેમને મુક્તિ આપે કે બે વર્ષની સજા ઘટાડી પણ દે તો અલગ વાત છે.
દરમિયાન કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'આપણે બધા જાણીએ છીએ કે રાહુલ ગાંધી સંસદની બહાર તેમજ અંદર નિર્ભય રીતે કહે છે, હવે સ્પષ્ટ બની ગયું છે કે, તેઓ તે માટે કિંમત ચૂકવી રહ્યાં છે.'