FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા
FASTag Annual Pass Benefit : ભારત સરકારે વારંવાર હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે FASTag વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી છે. આ પાસ 15 ઑગસ્ટથી ઉપલબ્ધ થશે. આ સુવિધાનો મુખ્ય હેતુ ટોલ પ્લાઝા પર વારંવાર ચુકવણી કરવાની ઝંઝટમાંથી મુક્તિ આપવાનો અને સમય બચાવવાનો છે. એ વાત યાદ રાખજો કે, અગાઉની ફાસ્ટેગ વ્યવસ્થા ચાલુ જ છે, જે લોકો વાર્ષિક પાસ લેવા માંગતા નથી, તેઓ અગાઉની ફાસ્ટેગ વ્યવસ્થાથી સામાન્ય ટોલની ચૂકવણી કરતા રહેશે. વાર્ષિક પાસ લેવા પહેલા કેટલીક બાબતો ધ્યાન રાખવાની જરૂર છે.
FASTag વાર્ષિક પાસ શું છે?
FASTag વાર્ષિક પાસ એ એક પ્રીપેડ યોજના છે, જેના દ્વારા વાહનચાલકો વાર્ષિક ધોરણે એક નિશ્ચિત રકમ ચૂકવીને ટોલ ચાર્જિસથી મુક્તિ મેળવી શકે છે. આ પાસ તમારા હાલના FASTag પર જ સક્રિય થઈ જાય છે. નવા ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમત રૂપિયા ત્રણ હજાર છે. તેની માન્યતા એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ (જે વહેલું હોય તે) સુધી માન્ય રહેશે. જે લોકો નિયમિતપણે નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરે છે, તેમના માટે આ પાસ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ફાસ્ટેગ વાર્ષિક પાસ માટે કયા વાહનો અમાન્ય
ફાસ્ટેગ વાર્ષિક પાસ લેવા માટે નવી અરજી કરી શકાય છે અથવા વર્તમાન ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાય છે. જોકે આ માટે કેટલીક શરતો છે, જેમ કે પાસ લેવા માટે પહેલા તમારું વાહન ડેટાબેઝમાં કાયદેસર હોવું જોઈએ, ફાસ્ટેગ વાહનના વિંડશીલ્ડ પર લગાવેલું હોવું જોઈએ, તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર બ્લેકલિસ્ટમાં ન હોવું જોઈએ વગેરે...
આ પણ વાંચો : નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ
કયા વાહનો વાર્ષિક પાસ લઈ શકે છે?
ફાસ્ટેગનો વાર્ષિક પાસ માત્ર પ્રાઈવેટ નોન-કોમર્શિયલ વાહનો જેમ કે કાર, જીપ અને વાન માટે જ માન્ય રહેશે. આ પાસ એક્ટિવ કરતા પહેલા ફાસ્ટેગને વાહન ડેટાબેઝ સાથે વેરિફાઈ કરવામાં આવશે. જો કોઈ કોમર્શિયલ વાહન તેનો ઉપયોગ કરશે તો કોઈપણ સૂચના આપ્યા વગર તેનું ફાસ્ટેગ તુરંત રદ કરી દેવામાં આવશે.
મુખ્ય નિયમો અને શરતો
આ પાસ ફક્ત ખાનગી, બિન-વાણિજ્યિક વાહનો (જેમ કે કાર, જીપ અને વાન) માટે જ લાગુ પડશે. આ પાસ માત્ર નેશનલ હાઈવે (NH) અને નેશનલ એક્સપ્રેસવે (NE) ના ટોલ પ્લાઝા પર જ માન્ય રહેશે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્ટેટ હાઈવે પર આ પાસ લાગુ થશે નહીં. પોઈન્ટ-આધારિત ટોલ પ્લાઝા પર દરેક વન-વે ક્રોસિંગને એક ટ્રિપ ગણવામાં આવશે, એટલે કે રાઉન્ડ ટ્રિપ (આવવું અને જવું) બે ટ્રિપ્સ તરીકે ગણાશે. તમે આ પાસને તમારા હાલના FASTag પર જ સક્રિય કરી શકો છો, જો તે માન્યતાના માપદંડોને પૂર્ણ કરતું હોય (જેમ કે, વાહન રજિસ્ટ્રેશન નંબર સાથે લિંક થયેલું હોય અને બ્લેકલિસ્ટેડ ન હોય).
ક્યાંથી મેળવી શકશો ફાસ્ટેગનો વાર્ષિક પાસ
આ પાસને 'રાજમાર્ગ યાત્રા' મોબાઈલ એપ્લિકેશન અથવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન સક્રિય કરી શકાય છે. આ પાસ તેવા લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ વારંવાર હાઈવે પર મુસાફરી કરે છે અને એકસાથે જ ટોલનો ખર્ચ ચૂકવી દેવા ઈચ્છે છે. સૌથી મહત્ત્વની ધ્યાન આપવાની જેવી બાબત એ છે કે, તમારુ ફાસ્ટેગ અન્ય કોઈ ઉપયોગ કરી શકતું નથી. આ ફાસ્ટેગ માત્ર તે વાહન પર લાગુ રહેશે, જેના પર ફાસ્ટેગ લગાવેલું છે અને રજિસ્ટર્ડ છે. જો કોઈ અન્ય વાહન દ્વારા તેનો ઉપયોગ કરાશે તો તે ફાસ્ટેગ તુરંત રદ કરવામાં આવશે.
આ પણ વાંચો : સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે અચાનક રાષ્ટ્રપતિને મળવા કેમ પહોંચ્યા PM મોદી?