ACમાં પ્રચંડ બ્લાસ્ટ, દિલ્હી નજીક ફરિદાબાદમાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્યા મોત
Faridabad Blast News: દિલ્હી નજીક હરિયાણાના ફરિદાબાદ જિલ્લામાં રવિવારે મોડી રાતે એક હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતી. ગ્રીન ફિલ્ડ કોલોનીમાં એક ફ્લેટમાં એસીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. તેમનો પાલતુ શ્વાન પણ મૃત્યુ પામ્યો હતો.
એસીમાં જોરદાર ધડાકો
એસીમાં જોરદાર ધડાકા બાદ આગ અને ગુંગળામણના કારણે સચિન કપૂર, તેમની પત્ની રિંકુ કપૂર અને દીકરી સુજાન કપૂર મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાયો છે. પડોશીઓ પણ આ ઘટનાને કારણે સ્તબ્ધ બન્યા છે.
પ્રત્યક્ષદર્શીઓ શું કહે છે?
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, ગઈકાલે રાતે અચાનક જોરદાર વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ મકાનમાંથી ધૂમાડો અને આગ નીકળવા લાગી હતી. સ્થાનિકો અને ફાયરબ્રિગેડની ટીમના સભ્યો પહોંચે એ પહેલા જ ઘરમાં ધૂમાડાના ગોટેગોટા વળ્યા હતા. આગની ઝપેટ તેમજ ગૂંગળામણના કારણે ત્રણેય સભ્યોનું મૃત્યુ થયું હતું.