What is in Name!! ફૈજાબાદને 'અયોધ્યા' નામકરણ 'રાજારામ' એરપોર્ટ બનશે: યોગી
અયોધ્યા આપણી આન બાન અને શાનની ઓળખ છે, નવા સંકલ્પ સાથે અહીં આવ્યો છું : યોગી
'રામ મંદિરનું નિર્માણ કરો' લોકોએ સુત્રોચ્ચાર કરી યોગીને ભાજપના વચન યાદ અપાવ્યા
અયોધ્યા,
તા.06 નવેમ્બર 2018, મંગળવાર
ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદ જિલ્લાને પ્રયાગરાજ નામ આપવામાં
આવ્યું હતું, અને હવે
ફૈઝાબાદ જિલ્લાને અયોધ્યા નામ આપવામાં આવ્યું છે. આ જાહેરાત મુખ્ય પ્રધાન યોગી
આદિત્યનાથે કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે અયોધ્યા આ દેશ માટે આન બાન શાન સમાન
છે, અને
અયોધ્યાની સાથે કોઇ પણ વ્યક્તિ અન્યાય નહીં કરી શકે. આ શહેરને ભગવાન રામે આ ઓળખ
આપી છે. અયોધ્યામાં યોજાયેલા દિપોત્સવમાં બોલતી વેળાએ યોગી આદિત્યનાથે આ જાહેરાત
કરી હતી. તેમણે સાથે અયોધ્યામાં એરપોર્ટ બનાવવાની જાહેરાત પણ કરી હતી. જેને ભગવાન
રામ એરપોર્ટ નામ આપવામાં આવશે. દરમિયાન હાજર લોકોએ મંદિર નિર્માણ કરો તેવા
સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિપોત્સવ અંગે પણ ચર્ચા કરી
હતી અને જણાવ્યું હતું કે દિપોત્સવ એક નવી પરંપરાની શરૃઆત છે. કથા પાર્ક
વિસ્તારમાં યોજાયેલા આ દિપોત્સવમાં દક્ષિણ કોરિયાના પ્રમુખના પત્નિ કિમ જુંગ પણ
જોડાયા હતા. ફૈઝાબાદને અયોધ્યા નામ આપવા ઉપરાંત રામ એરપોર્ટ અને સાથે સરીયુ નદીની
સ્વચ્છતાના પ્રોજેક્ટને પણ ખુલ્લો મુક્યો હતો.
રામ કી પૈડીની સુંદરતાને વધારવામાં
આવશે તેવી જાહેરાત પણ કરી હતી. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અમે નવા સંકલ્પ
અને નવા ઉત્સાહ સાથે અયોધ્યા આવ્યા છીએ. આજથી આ ફૈઝાબાદને અયોધ્યા તરીકે ઓળખવામાં
આવશે. યોગીએ વડા પ્રધાન મોદીના પણ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વડા પ્રધાન
મોદીએ છેલ્લા ચાર વર્ષના પોતાના શાસનમાં રામરાજ્યની કલ્પનાને સાબિત કરી બતાવી છે.
યોગીએ કહ્યું કે હું છથી
વધુ વખત અયોધ્યા આવ્યો છું, અમે રસ્તા પહોળા બનાવ્યા છે. અમે અયોધ્યાને હરિદ્વારની જેમ જ રામની પૈડી
બનાવવા માગીએ છીએ. અમે અહીં અન્ય કેટલાક કામો પણ કરવા માગીએ છીએ. નોંધનીય છે કે
અયોધ્યા એક શહેર છે જ્યારે જિલ્લો ફૈઝાબાદ હતો જેથી હવે આખો જિલ્લો જ અયોધ્યા
તરીકે ઓળખાશે. અહીં હવે રાજા રામ એરપોર્ટ બનાવવામાં આવશે સાથે દશરથના નામે મેડિકલ
કોલેજ પણ ખોલાશે. આ દરમિયાન દક્ષિણ કોરિયાથી આવેલા કિમ જંગે પણ કહ્યું હતું કે
તમારા લોકોની વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવીને બહુ ખુશી થઇ રહી છે. મોદીએ મને આમંત્રણ
આપ્યું તે બદલ તેમનો આભાર માનુ છું. પ્રકાશ પર્વ અંધારામાં રોશનીની જીત છે.
કોરિયામાં પણ મિણબત્તી ક્રાંતિ થઇ હતી. જેના વખાણ ગાંધીજીએ પણ કર્યા હતા.