લેહ-લદ્દાખમાં ભારે અરાજકતા: ભારેલો અગ્નિ
- સોનમ વાંગચુકે હિંસા ફેલાવી: કેન્દ્ર સરકારનો આક્ષેપ, લદ્દાખમાં કર્ફ્યુ, ઇન્ટરનેટ સેવા બંધ
- વાંગચુકની એનજીઓનું એફસીઆરએ લાઈસન્સ રદ, નાણાકીય ગેરરીતિના આરોપોની સીબીઆઈએ તપાસ શરૂ કરી, ઈડી પણ જોડાય તેવી શક્યતા
લેહ/નવી દિલ્હી : લેહમાં બુધવારે હિંસક ઘર્ષણ પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિની સ્થાપના માટે સરકારે ગુરુવારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે, લેહમાં કરફ્યુ નાંખી દીધો છે અને પોલીસ તથા અર્ધલશ્કરી દળોની તૈનાતી વધારી દીધી છે. પોલીસે હિંસામાં સંડોવણી બદલ ૫૦થી વધુની અટકાયત કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે લેહમાં હિંસા માટે પર્યાવરણવીદ સોનમ વાંગચુક પર દોષનો ટોપલો ઢોળ્યો છે અને તેમની સંસ્થાનું વિદેશમાંથી ભંડોળ લેવાનું લાઈસન્સ રદ કરી દીધું છે. બીજીબાજુ લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સે સોનમ વાંગચુકના સમર્થનમાં પૂર્ણ બંધની હાકલ કરતા ગુરુવારે લેહ-લદ્દાખ અને કારગિલમાં જનજીવન ઠપ થઈ ગયું હતું.
લેહમાં હિંસા ફેલાયાના બીજા દિવસે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. લેહમાં બુધવારે હિંસા ફાટી નીકળ્યા પછી લેહ એપેક્સ બોડી (એલએબી)એ લદ્દાખ બંધની હાકલ કરી હતી. આ સાથે કારગિલ ડેમોક્રેટિક અલાયન્સે સોનમ વાંગચુકના સમર્થનમાં કારગિલ બંધની જાહેરાત કરી હતી. કારગિલમાં દુકાનો, કમર્શિયન સંસ્થાઓ અને બજારો બંધ રહ્યા જ્યારે બુરો, સાંકૂ, પનિખર, પદુમ, ટ્રેસ્પોન અને આજુબાજુના અનેક વિસ્તારો પણ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. એલએબી અને કેડીએની હાકલ પર લોકોએ સજ્જડ બંધ પાળ્યો હતો. તેને બુધવારે લેહમાં માર્યા ગયેલા અને ઘાયલ લોકો પ્રત્યે સહાનુભૂતિ અને એકતા તરીકે દર્શાવાયા છે. પર્યાવરણવીદ સોનમ વાંગચુકના નેતૃત્વમાં એલએબી અને કેડીએ છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા, બંધારણની ૬ઠ્ઠી અનુસૂચિમાં તેનો સમાવેશ કરવા સહિતની માગ કરી રહ્યા છે. તેમણે ભૂતકાળમાં કેન્દ્ર સરકાર સાથે કેટલાક તબક્કાની ચર્ચા કરી હતી. હવે આ ચર્ચાનો આગામી તબક્કો ૬ ઑક્ટોબરે છે.
બીજીબાજુ સરકારે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિસ્તારમાં શાંતિ માટે કરફ્યૂ નાંખ્યો હતો, જેને પગલે મોટાભાગના શહેરોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. સરકારે અફવાઓ ફેલાતી રોકવા માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું છે. લેહમાં હિંસા ફાટી નીકળ્યા પછી પોલીસે કોંગ્રેસ કાઉન્સેલર સહિત પ૦ લોકોની અટકાયત કરી છે અને આ સિલસિલો ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે થયેલી હિંસામાં ત્રણ નેપાળી નાગરિકોને ઈજા પહોંચી હતી. વધુમાં લેહમાં થયેલી હિંસા પાછળ વિદેશી હાથ છે કે કેમ તેની પોલીસે તપાસ શરૂ કરી છે.
કેન્દ્ર સરકારે આક્ષેપ કર્યો છે કે સોનમ વાંગચૂકના ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે યુવાનો કથિત હિંસા પર ઉતર્યા હતા. ચોક્કસ રાજકારણ પ્રેરિત લોકો કેન્દ્ર અને લદ્દાખી જૂથો વચ્ચેની વાટાઘાટોમાં પ્રગતિથી ખુશ નથી.
સરકાર લદ્દાખના લોકોની આકાંક્ષાઓને બંધારણીય સુરક્ષા પૂરી પાડવા કટિબદ્ધ છે.
દરમિયાન કેન્દ્ર સરકારે સ્ટૂડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (એસઈસીએમઓએલ)નું એફસીઆરએ લાઈસન્સ રદ કરી દીધું છે. સરકારે વાંગચુકની સંસ્થા પર નાણાકીય ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. આ સંસ્થા પર્યાવરણવીદ સોનમ વાંગચૂક સાથે જોડાયેલી છે. સંસ્થાએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે વિદેશમાંથી ભંડોળ મેળવવા માટે નોંધણી કરાવી હતી. ૨૦ ઑગસ્ટ ૨૦૨૫ના એનજીઓને શો-કોઝ નોટિસ અપાઈ હતી. સીબીઆઈએ સંસ્થા સામે નાણાકીય ગેરરીતિઓ અંગે તપાસ શરૂ કરી છે. વધુમાં આગામી સમયમાં ઈડી પણ સંસ્થા સામે તપાસ હાથ ધરે તેવી સંભાવના છે.
સોનમ વાંગચુકના પાકિસ્તાન પ્રવાસ પર સવાલ ઉઠયા
લેહમાં હિંસાના પગલે હવે સોનમ વાંગચુકે ફેબુ્રઆરી ૨૦૨૫માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી તેના પર સવાલ ઉઠવા લાગ્યા છે. સોનમ વાંગચુક ડોન મીડિયા દ્વારા ૬ ફેબુ્રઆરી ઈસ્લામાબાદમાં આયોજિત બ્રિધ પાકિસ્તાન ક્લાઈમેટ કોન્ફરન્સમાં જોડાયા હતા અને તેમણે ગ્લેશિયર મેલ્ટ: અ સસ્ટેનેબલ સ્ટ્રેટેજી ફોર ધ વોટર ટાવર્સ ઓફ સાઉથ એશિયા વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. આ મુલાકાત સમયે પાકિસ્તાનમાંથી જ વાંગચુકે સોશિયલ મીડિયા પોસ્ટ કરી કહ્યું હતું કે, હું અત્યારે ઈસ્લામાબાદમાં છું. આ કાર્યક્રમમાં મેં વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી હતી. પર્યાવરણની કોઈ સરહદ નથી હોતી. તેનાથી આખી દુનિયાને નુકસાન થાય છે. તેથી પર્યાવરણ અંગેના પ્રયત્નોને સરહદોમાં બાંધવા જોઈએ નહીં. આજે દુનિયામાં અનેક મોટા ક્લાઈમેટ ચેન્જ અંગે પોતાનું મોં ફેરવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ મિશન લાઈફ જેવી પહેલ શરૂ કરી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. જે પણ સારા પ્રયાસો થતા હોય તેની પ્રશંસા થવી જ જોઈએ.