તેલંગણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ : 12નાં મોત, 34ને ઈજા
- રિએક્ટરમાં ગરબડ સર્જાતા આગ ફાટી નીકળી
- વિસ્ફોટ પછી અનેક મજૂરો હજુય ફેક્ટરીમાં ફસાયાની શક્યતા : આગ કાબૂમાં લેવાની કવાયત
હૈદરાબાદ : તેલંગણાના સંગારેડ્ડી જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ લાગતા ૧૨ મજૂરોનાં મૃત્યુ થયા છે. ૨૦થી વધુ મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે. આગને કાબૂમાં લેવાની ્ને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સંગારેડ્ડી જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી. દાવો તો ત્યાં સુધી થાય છે કે આસપાસમાં કામ કરતાં મજૂરોમાંથી ઘણાં તો ૩૦૦ ફૂટ દૂર ફંગોળાયા હતા. ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે ઘટના પછી મજૂરોને તુરંત બહાર કાઢવામાં આવ્યા હતા, છતાં આગના વિસ્તારમાં અનેક મજૂરો ફસાયા હોવાની શક્યતા છે.
ફાયર સેફ્ટી વિભાગે ૧૫ જેટલી ગાડીઓ તૈનાત કરીને આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી. ફસાયેલા મજૂરોને બહાર લાવવા માટે પ્રયાસો શરૂ થયા હતા. મૃત્યુઆંક વધારે હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં રિએક્ટરમાં કંઈ ગરબડ સર્જાવાથી આ દુર્ઘટના બની હોવાનું કહેવાયું છે. આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આસપાસની બિલ્ડિંગ સુધી આગ અને ધુમાડો પહોંચ્યો હતો. નજીકની ઈમારતોને નુકસાન થયું હતું. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ ઉઠી હતી એટલે આખા વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે.