Explainer : શું 2029થી જૂના વાહનો ભંગાર થઈ જશે? જાણો વાયુ પ્રદૂષણને લગતા નવા નિયમોનું A ટુ Z
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BS-VII Norms from 2029, What Changes for Old & New Vehicles? : વાહનોને લીધે સતત વધી રહેલા પ્રદૂષણને નાથવા અને દેશવાસીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે ભારત સરકાર એક બહુ મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. જો તમારી પાસે પોતાનું વાહન છે અથવા તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે એપ્રિલ 2029થી સમગ્ર દેશમાં નવા 'ભારત સ્ટેજ 7' (BS-VII) ઉત્સર્જન નિયમો લાગુ કરવાની તૈયારી કરી છે. આ નવા નિયમોના આગમનના સમાચાર સાંભળીને અનેક લોકોના મનમાં પ્રશ્ન છે કે શું હવે તેમના જૂના વાહનો રસ્તા પર નહીં દોડી શકે? ચાલો, આ નવા નિયમ વિશેની દરેક માહિતી સમજીએ.
જૂના વાહનોનું શું થશે? શું રજિસ્ટ્રેશન રદ થશે?
હાલમાં જે લોકો BS-VI કે તેથી જૂના વાહનો ચલાવે છે તેમના માટે આ એકદમ રાહતના સમાચાર છે. BS-VII નિયમ લાગુ થવાથી જૂના વાહનોને ભંગારમાં આપવા નહીં પડે કે તેના પર કોઈ પ્રતિબંધ નહીં મૂકાય.
- આ નવા કાયદાને કારણે તમારા ચાલુ વાહનનું રજિસ્ટ્રેશન રદ નહીં થાય.
- વાહનની કાયદેસરની ઉંમર(વેલિડિટી)માં પણ સરકાર કોઈ જ ઘટાડો નહીં કરે.
- ટૂંકમાં, આ પ્રસ્તાવિત નિયમો માત્ર નિયત સમયમર્યાદા પછી ફેક્ટરીમાં બનતા 'નવા' વાહનોને જ લાગુ પડશે. પહેલાથી નોંધાયેલી જૂની કાર કે SUV ને તેની કોઈ અસર નહીં થાય. વાહનની ઉંમર, ફિટનેસ અને PUC(પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર)ને લગતા જૂના નિયમો રાબેતા મુજબ જ ચાલુ રહેશે.
નવા નિયમો ક્યારથી અને કયા વાહનો પર લાગુ પડશે?
માર્ગ પરિવહન મંત્રાલયે આ ફેરફારને એકસાથે થોપવાને બદલે એપ્રિલ 2029થી એપ્રિલ 2035 વચ્ચેના 6 વર્ષના સમયગાળામાં તબક્કાવાર લાગુ કરવાની મંજૂરી આપી છે. જેથી ઓટોમોબાઇલ કંપનીઓ અને લોકોને તૈયારી માટે પૂરતો સમય મળી રહે. તેની ટાઇમલાઇન નીચે મુજબ છે.
- એપ્રિલ 2029થી: દેશમાં ઉત્પાદિત થતી તમામ નવી કાર અને SUV પર આ નિયમ સૌથી પહેલા લાગુ થશે.
- 2030થી: નાના કાર્ગો વાહનો (માલવાહક વાહનો) અને પિકઅપ વાન પર નિયમ લાગુ પડશે.
- એપ્રિલ 2031થી: બસો, ભારે ટ્રક અને અન્ય મોટા કમર્શિયલ વાહનોને આ નિયમો હેઠળ આવરી લેવાશે.
- ટુ-વ્હીલર (બાઇક/સ્કૂટર): ટુ-વ્હીલર માટે હજુ કોઈ તારીખ નક્કી કરાઈ નથી. સરકાર જ્યારે સત્તાવાર ડ્રાફ્ટ(નોટિફિકેશન) બહાર પાડશે, ત્યારે જ તેની સમયમર્યાદા સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.
નવા નિયમો આવવાથી વાહનો અને એન્જિનમાં શું ફેરફારો થશે?
આ નિયમનો મુખ્ય હેતુ હવામાં ભળતાં ઝેરી પ્રદૂષકો જેવા કે નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને અત્યંત સૂક્ષ્મ રજકણોને કંટ્રોલ કરવાનો છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.
- સામાન્ય કાર અને SUV: આ વાહનોના સાયલેન્સરમાંથી નીકળતા પ્રદૂષકોની મર્યાદા મોટાભાગે અત્યારના BS-VI સ્તર જેટલી જ રખાશે, પરંતુ સૌથી મોટો ફેરફાર સૂક્ષ્મ કણો(પાર્ટિકલ્સ)ના ટેસ્ટિંગમાં કરાશે. અત્યાર સુધી પરીક્ષણ દરમિયાન 23 નેનોમીટરની સાઇઝના કણો મપાતા હતા, જે મર્યાદા ઘટાડીને હવે 10 નેનોમીટર કરાશે. આ 10 નેનોમીટર વાળા કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તે સીધા આપણા ફેફસામાં ઊંડે સુધી પ્રવેશી જાય છે, જેનાથી લાંબા ગાળે શ્વાસ અને હૃદયના ગંભીર રોગોનું જોખમ વધે છે.
- ભારે ટ્રક અને મોટા વાહનો: મોટા વાહનો માટે નિયમો વધુ કડક બનશે. તેમના દ્વારા ફેલાતા પ્રદૂષણમાં સીધો 20થી 50 ટકા જેટલો મોટો ઘટાડો કરવાનો પ્રસ્તાવ છે.
- ટાયર અને બ્રેક પર નજર: અત્યાર સુધી માત્ર સાયલેન્સરના ધુમાડાનું જ માપન થતું હતું, પરંતુ BS-VIIમાં વાહનમાં બ્રેક મારતી વખતે અને ટાયર ઘસાતી વખતે હવામાં ઉડતી સૂક્ષ્મ ધૂળ પર પણ ચાંપતી નજર રખાશે અને તેને નિયંત્રિત કરાશે. આ માટે ઓટોમોબાઇલ કંપનીઓએ નવી ટૅક્નોલૉજી અને કડક માપદંડો અપનાવવા પડશે. વાહનોમાં ઓછા ઘસાય તેવા ઉચ્ચ ગુણવત્તાવાળા બ્રેક પેડ્સ અને ટાયરમાં ટકાઉ રબરનો ઉપયોગ ફરજિયાત બનશે, જેથી હવામાં ભળતા માઇક્રોપ્લાસ્ટિક અને ઝેરી કણો ઘટે. બ્રેકની ધૂળને હવામાં ભળતી રોકવા વ્હીલ પાસે ખાસ પ્રકારના 'બ્રેક ડસ્ટ ફિલ્ટર' લગાવાઈ શકે છે અને સામાન્ય બ્રેકનો વપરાશ ઘટાડવા 'રિજનરેટિવ બ્રેકિંગ' સિસ્ટમ લાગુ થઈ શકે છે.




