India

Explainer: મહારાષ્ટ્ર-આંધ્ર પ્રદેશ દુષ્કાળની ચપેટમાં, ક્લાઈમેટ ચેન્જની અતિ ગંભીર અસરો અને બોધપાઠ

By GS Team
7 Oct 20264 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં 2026ના નબળા ચોમાસાને કારણે ગંભીર દુષ્કાળ પડ્યો છે. 'અલ નીનો'ની અસરથી આ વર્ષે દેશમાં 12.6% ઓછો વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રના 265 અને આંધ્ર પ્રદેશના 388 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર થયા છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતો અને અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. પાણીના કાપ અને મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પણ વર્તાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: મહારાષ્ટ્ર-આંધ્ર પ્રદેશ દુષ્કાળની ચપેટમાં, ક્લાઈમેટ ચેન્જની અતિ ગંભીર અસરો અને બોધપાઠ
AI તસવીર

Drought In Maharashtra & Andhra: જળ એ જ જીવન છે. તેથી જ્યારે આકાશમાંથી પાણી વરસવાનું બંધ થાય છે, ત્યારે માનવજીવનથી લઈને પ્રકૃતિ સુધી દરેકની ગતિવિધિ ખોરવાઈ જાય છે. હાલમાં ભારતના બે અત્યંત મહત્ત્વપૂર્ણ રાજ્યો મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ ગંભીર જળસંકટ અને દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. 2026ના નબળા ચોમાસાએ ખેતરોને સૂકવી નાખ્યા છે અને જળાશયોના તળિયા દેખાડી દીધા છે. આ દુષ્કાળ માત્ર ખેતી પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેણે લોકોના સ્વાસ્થ્ય, રોજગાર, ઉદ્યોગો અને સમગ્ર અર્થતંત્ર પર માઠી અસર કરી છે. ચાલો સમજીએ કે આ દુષ્કાળ પાછળનું કારણ શું છે અને તે કેવી રીતે વિવિધ ક્ષેત્રોને અસર કરી રહ્યો છે.

દુષ્કાળનું મુખ્ય કારણ શું?

આ વર્ષના ગંભીર દુષ્કાળ પાછળનું સૌથી મોટું કારણ 'અલ નીનો'(El Nino)ની અસર છે. આ એક એવી ભૌગોલિક ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરના તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ભારતમાં ચોમાસું નબળું પડે છે. ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ, આ વર્ષે દેશભરમાં સામાન્ય કરતાં 12.6 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જે વર્ષ 2015 પછીનું સૌથી નબળું ચોમાસું છે.

સ્થિતિ કેટલી ગંભીર છે?

  • મહારાષ્ટ્ર: 26 સપ્ટેમ્બર 2026ના રોજ સરકારે 358માંથી 265 તાલુકાઓ(આશરે 74 ટકા)ને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.
  • આંધ્ર પ્રદેશ: 1 ઑક્ટોબરના રોજ 688માંથી 388 તાલુકા (આશરે 56 ટકા) દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે, જેમાંથી 283 તાલુકાઓમાં તો દુષ્કાળની સ્થિતિ અતિ ગંભીર છે.

બંને રાજ્યોમાં વરસાદની ભારે ખાધ જોવા મળી છે. જેમ કે…

  • મહારાષ્ટ્રમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય રીતે 970.9 મિ.મી. વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે માત્ર 798.2 મિ.મી. વરસાદ પડ્યો, જે 18 ટકાનો ઘટાડો દર્શાવે છે.
  • મરાઠવાડામાં 38 ટકા અને વિદર્ભમાં 27 ટકા વરસાદ ઓછો પડ્યો છે.
  • ધારાશિવ, બીડ, લાતુર અને હિંગોલી જેવા જિલ્લામાં તો અડધોઅડધ વરસાદ ગાયબ છે.
  • આંધ્ર પ્રદેશમાં પણ જૂનથી ઑગસ્ટમાં સામાન્ય 424.3 મિ.મી.ની સામે માત્ર 197.6 મિ.મી. (53.4 ટકા ઘટાડો) વરસાદ નોંધાયો છે.
  • જળાશયોની વાત કરીએ તો, આંધ્ર પ્રદેશના ડેમમાં પાણીનો સંગ્રહ ગયા વર્ષના 88.6 ટકાથી ઘટીને માત્ર 35.14 ટકા રહી ગયો છે.
  • મહારાષ્ટ્રમાં પણ જળસ્તર 89.22 ટકાથી ઘટીને 74.29 ટકા પર આવી ગયું છે. આને કારણે મહારાષ્ટ્ર સરકારે 16 ઑક્ટોબરથી શહેરો અને ગામડાંમાં 10 ટકા પાણી કાપ મૂક્યો છે.

ખેડૂતો પર વજ્રાઘાત
ખેતી બંને રાજ્યોની કરોડરજ્જુ છે, જે આ વર્ષે ભારે પ્રભાવિત થઈ છે

  • મહારાષ્ટ્ર સમગ્ર દેશનું 48 ટકા સોયાબીન અને 39 ટકા તુવેર દાળ પકવે છે. દુષ્કાળને કારણે સોયાબીન, કપાસ, મકાઈ અને તુવેરના પાક નાશ પામ્યા છે. મરાઠવાડામાં 40-50 ટકા અને વિદર્ભમાં 60-70 ટકા પાક નિષ્ફળ ગયો છે.
  • આંધ્ર પ્રદેશમાં ડાંગર, મગફળી અને નાળિયેરીના પાકને મોટું નુકસાન થયું છે. આશરે 5.3 મિલિયન હેક્ટર જમીન વાવણી વિનાની ખાલી પડી રહી છે. ખેડૂતોને બીજ અને ખાતરનો ખર્ચ માથે પડ્યો છે અને ઘાસચારાની અછતને લીધે પશુપાલન વ્યવસાય પણ જોખમમાં મુકાયો છે.

દુષ્કાળની અસર માત્ર ખેતરોમાં જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય પર પણ સીધી વર્તાઈ રહી છે. જેમ કે…

  • પીવાના સ્વચ્છ પાણીના અભાવે કોલેરા અને ઝાડા જેવા રોગોનું પ્રમાણ વધે છે.
  • સૂકા અને ધૂળવાળા પવનોને કારણે શ્વસનતંત્રની બીમારીઓ અને આંખમાં બળતરાની સમસ્યાઓ વધી છે.
  • ગામડાંમાં મહિલાઓ અને બાળકોને પાણી ભરવા માટે કિલોમીટરો સુધી ચાલવું પડે છે, જેનાથી શારીરિક થાક અને કુપોષણ વધે છે.
  • પશુઓને પૂરતો ચારો ન મળવાથી દૂધનું ઉત્પાદન ઘટ્યું છે, જેથી બાળકોને પોષણયુક્ત આહાર મળતો નથી.
  • સૌથી દુઃખદ બાબત એ છે કે આર્થિક અને માનસિક તણાવને કારણે મહારાષ્ટ્રના મરાઠવાડામાં જાન્યુઆરીથી ઑગસ્ટ 2026 વચ્ચે 653 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

અર્થતંત્ર અને વ્યવસાયને ફટકો

મહારાષ્ટ્ર દેશના અર્થતંત્રમાં 14 ટકા યોગદાન આપે છે. પાણીના કાપને લીધે ફેક્ટરીઓને 30 ટકા પાણી રિસાયકલ કરવાના આદેશ અપાયા છે, જેનાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધશે. તેલ અને કઠોળની મિલો તેમજ સુગર ફેક્ટરીઓનું કામ ધીમું પડ્યું છે. બજારમાં સોયાબીન અને તુવેરની અછતને કારણે ખાદ્યતેલ અને કઠોળના ભાવ આસમાને પહોંચી શકે છે, જે સામાન્ય નાગરિકો માટે મોંઘવારી વધારશે. આંધ્ર પ્રદેશમાં નાના વેપારીઓ, ખેતમજૂરો અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની આવક ઘટી છે. સરકારોએ હજારો કરોડ રૂપિયાના રાહત પેકેજો (જેમ કે, પાક લોન માફી અને વીજળી બિલમાં રાહત) જાહેર કરવા પડ્યા છે, જેનાથી સરકારી તિજોરી પર ભારે આર્થિક બોજ પડ્યો છે.

આબોહવા અને પર્યાવરણ પર લાંબા ગાળાની અસરો

આ દુષ્કાળ માત્ર એક વર્ષ પૂરતો સીમિત નથી, તે ક્લાઇમેટ ચેન્જનીની મોટી ચેતવણી છે. લાંબા સમય સુધી વરસાદ ન પડવાથી જમીનનો ભેજ સૂકાઈ જાય છે. આંધ્ર પ્રદેશમાં જમીનની અંદર રહેલું પાણી (ભૂગર્ભજળ) ગયા વર્ષ કરતાં 3 મીટર ઊંડું જતું રહ્યું છે. હરિયાળી નષ્ટ થવાથી વાતાવરણમાં ગરમી વધે છે અને જમીન ઉજ્જડ બનવાનું જોખમ રહે છે. વિજ્ઞાનીઓએ ભવિષ્યમાં અલ નીનો જેવી ઘટનાઓ વારંવાર બનવાની શક્યતા વ્યક્ત કરી છે.

આપણી જવાબદારી સમજીશું?

સરકારો પોતાના સ્તરે પ્રયત્નો કરી રહી છે; જેમ કે મહારાષ્ટ્રમાં પીવાના પાણી અને ઘાસચારા પર ભાર મુકાયો છે, અને આંધ્ર પ્રદેશમાં ઓછા પાણીએ થતાં પાક તથા 'ઇરિગેશન'(ડ્રીપ ઇરિગેશન)ને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. પરંતુ, માત્ર સરકારના ભરોસે બેસી રહેવું પૂરતું નથી. આ કટોકટી પ્રકૃતિ સાથે કરેલા ચેડાં અને પાણીના બગાડનું પણ પરિણામ છે. સામાન્ય માણસે પણ સમજવું પડશે કે વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સમયની માંગ છે. જો આપણે આજે જાગૃત નહીં થઈએ, તો આવનારી પેઢીઓ માટે ખેતી, સ્વાસ્થ્ય અને અસ્તિત્વ ટકાવી રાખવું અત્યંત મુશ્કેલ બની જશે.