India

Explainer: દેશમાં સસ્તા ઘરોની માંગ ઘટી, લક્ઝુરિયસ ઘર માટે લોકોનો ઝોક વધ્યો! જાણો ગુજરાતની સ્થિતિ

By GS Team
5 Oct 20265 mins read
TukuTouch Logo
નાઈટ ફ્રેન્ક ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, 2026માં દેશના 8 મોટા શહેરોમાં 2,58,238 ઘરો વેચાયા, જ્યારે 2,79,899 નવા બન્યા. દિલ્હી-NCRમાં 11% વેચાણ ઘટ્યું, પણ મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદમાં 2-5% વધારો નોંધાયો. અમદાવાદમાં 9,581 ઘરો વેચાયા, સરેરાશ ભાવ ₹ 51,974/ચો.મી. થયો. ગિફ્ટ સિટી અને મોટેરાને કારણે ઉત્તર અમદાવાદમાં રિયલ એસ્ટેટ તેજીમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: દેશમાં સસ્તા ઘરોની માંગ ઘટી, લક્ઝુરિયસ ઘર માટે લોકોનો ઝોક વધ્યો! જાણો ગુજરાતની સ્થિતિ

India Real Estate Trends 2026 : સપનાનું ઘર ખરીદવું એ કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી મોટો અને મહત્ત્વનો નિર્ણય હોય છે. જો તમે પણ 2026માં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો રિયલ એસ્ટેટ બજારની વર્તમાન સ્થિતિ સમજવી જરૂરી છે. જાણીતી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની ‘નાઈટ ફ્રેન્ક ઇન્ડિયા’(Knight Frank India)ના તાજેતરના રિપોર્ટ મુજબ, દેશના રિયલ એસ્ટેટ બજારમાં અત્યારે ભાવ ઘટાડા કે મંદીનો માહોલ નથી, પરંતુ ઘરો વેચાવાની ગતિ ચોક્કસ ધીમી પડી છે. બજારમાં નવા ઘરો મોટા પ્રમાણમાં બની રહ્યા છે, પરંતુ તેની સામે ખરીદદારો વધુ સમય લઈને સમજી-વિચારીને નિર્ણય કરી રહ્યા છે. આગામી તહેવારોની સિઝન અને ઑક્ટોબર મહિનાની RBIની પોલિસી બજારની નવી દિશા નક્કી કરશે. ચાલો સમજીએ કે 2026માં દેશના અને ગુજરાતના રિયલ એસ્ટેટ બજારનો ટ્રેન્ડ કેવો છે.

નવા ઘરોનું નિર્માણ વધુ, વેચાણ ઓછું

વર્ષ 2026ના પહેલા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના 9 મહિનામાં દેશના ટોચના 8 શહેરોમાં કુલ 2,58,238 ઘરો વેચાયા હતા, જે ગયા વર્ષ જેટલા જ છે. પરંતુ તેની સામે 2,79,899 નવા ઘરોનું નિર્માણ થયું છે. નિર્માણમાં વાર્ષિક 4%નો વધારો જોવા મળ્યો છે. જો કે, નોંધનીય બાબત એ છે કે ઘરોના નિર્માણ કરતાં વેચાણ ઓછું રહ્યું છે. જેના કારણે બજારમાં વણવેચાયેલા ઘરો(ઇન્વેન્ટરી)ની સંખ્યા વધી છે.
પરિણામે, બજારમાં મકાન વેચાતા લાગતો સરેરાશ સમય (Quarter-to-Sell) 2025ના 5.8 ક્વાર્ટરથી વધીને 2026 માં 6.1 ક્વાર્ટર થઈ ગયો છે. તેનો અર્થ એ છે કે માર્કેટમાં ઘરો વેચાઈ તો રહ્યા છે, પણ પહેલા કરતાં વધુ સમય લાગી રહ્યો છે.

દિલ્હી-NCRમાં ઘટાડો, મુંબઈ-બેંગલુરુ-અમદાવાદમાં તેજી

બધા શહેરોની સ્થિતિ એકસરખી નથી. દિલ્હી-NCR એકમાત્ર એવું મોટું માર્કેટ છે જ્યાં વેચાણમાં 11%નો ઘટાડો નોંધાયો છે. ત્યાં 35,574 ઘરો વેચાયા છે. તેમાં પણ ₹ 5 કરોડથી ₹ 10 કરોડના પ્રીમિયમ ઘરોના વેચાણમાં 39%નો મોટો કડાકો જોવા મળ્યો છે. NCRની કુલ ઇન્વેન્ટરીમાં 57% હિસ્સો માત્ર ગુરુગ્રામનો છે.

બીજી તરફ, મુંબઈમાં 1%ના વધારા સાથે 72,804 ઘરો વેચાયા છે. વેચાણમાં બેંગલુરુમાં 5% (43,140 ઘરો વેચાયા), કોલકાતામાં 4%, હૈદરાબાદમાં 2% અને અમદાવાદમાં 2%નો વધારો જોવા મળ્યો છે. પૂણેનું માર્કેટ સ્થિર રહ્યું છે.

સસ્તા ઘરોની માંગ ઘટી, મોંઘા ઘરોની બોલબાલા

2026ના બજારમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ₹ 50 લાખથી ઓછી કિંમતના પરવડે તેવા (affordable) ઘરોના વેચાણમાં 14%નો ઘટાડો થયો છે અને ₹ 50 લાખથી ₹ 1 કરોડના ઘરોનું વેચાણ પણ 5.9% ઘટ્યું છે.
આની સામે પ્રીમિયમ ઘરોની માંગ ખૂબ મજબૂત છે. ₹ 1 કરોડથી ₹ 2 કરોડના ઘરોનું વેચાણ 6.8% વધ્યું છે અને ₹ 2 કરોડથી ₹ 5 કરોડના ઘરોના વેચાણમાં 19.4%નો જંગી ઉછાળો આવ્યો છે. આજે બજારમાં વેચાતા કુલ રહેણાંક ઘરોમાંથી 55% ઘરોની કિંમત ₹ 1 કરોડથી વધુ હોય છે.

વેચાણ ધીમું હોવા છતાં ભાવમાં ઘટાડો નહીં

માર્કેટમાં વેચાણ ધીમું પડ્યું હોવા છતાં ઘરોના ભાવમાં ઘટાડો થયો નથી. મોટાભાગના શહેરોમાં વાર્ષિક ભાવમાં 3%થી 6% નો વધારો નોંધાયો છે. NCRમાં ભલે વેચાણ ઘટ્યું હોય, પરંતુ ભાવ વૃદ્ધિ ચાલુ છે; ગાઝિયાબાદમાં 14%, ગ્રેટર નોઈડામાં 11%, નોઈડામાં 7% અને ગુરુગ્રામમાં 4% જેટલા ભાવ વધ્યા છે.

અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ વિકાસની નવી ઊંચાઈઓ પર

ભારતના અન્ય મોટા શહેરોની સરખામણીમાં અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ સતત પ્રગતિ કરી રહ્યું છે.

1… રહેણાંક બજાર (Residential Market)

  • વેચાણ અને નવા પ્રોજેક્ટ્સ: વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) સમયગાળામાં અમદાવાદમાં 9,581 ઘરો વેચાયા હતા (2%નો વધારો) અને 11,077 નવા ઘરો લોન્ચ થયા હતા (3%નો વધારો).
  • કિંમત: ઘરની સરેરાશ કિંમત 3% વધીને ₹ 51,974 પ્રતિ ચોરસ મીટર (₹ 4,826 પ્રતિ ચોરસ ફૂટ) થઈ છે. તેમ છતાં, દેશના ટોચના 8 શહેરોમાં અમદાવાદ આજે પણ સૌથી વધુ પરવડે તેવું (Affordable) માર્કેટ છે.
  • લોકપ્રિય બજેટ: ગ્રાહકો સૌથી વધુ ₹ 50 લાખથી ₹ 1 કરોડની વચ્ચેના ઘરો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
  • વિકાસના મુખ્ય કારણો: મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર 700 ચોરસ કિમીથી વધુ કરવાની દરખાસ્ત છે, જેમાં સાણંદ, કલોલ, દહેગામ, બારેજા અને મહેમદાવાદ ભળશે. આ ઉપરાંત ફાર્મા, ટેક્સટાઇલ અને ગિફ્ટ સિટીને કારણે માંગ વધી રહી છે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર બુસ્ટ: સરદાર પટેલ રિંગ રોડનું વિસ્તરણ, 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અને જાન્યુઆરી 2026 માં શરૂ થયેલી મોટેરાથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો(યલો લાઇન)ને કારણે ઉત્તર ઝોન(ચાંદખેડા, મોટેરા)માં રિયલ એસ્ટેટનો જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે.

2… ઑફિસ બજાર (Office Market)

  • નવી ઑફિસોનું નિર્માણ: ભલે H1 2026માં ઑફિસ સ્પેસનું વેચાણ સ્થિર રહ્યું હોય, પરંતુ નવા કોમર્શિયલ પ્રોજેક્ટ્સના નિર્માણમાં 237%નો તોતિંગ ઉછાળો આવ્યો છે. મોટાભાગની નવી ઑફિસો SG હાઇવે અને સરદાર પટેલ રિંગ રોડના ઉત્તર ભાગમાં બની છે.
  • ભાડું અને પોલિસી: ઑફિસનું સરેરાશ ભાડું 3% વધીને ₹ 488 પ્રતિ ચોરસ મીટર/મહિને (₹ 45 પ્રતિ ચોરસ ફૂટ) થયું છે. ગુજરાતની ‘GCC પોલિસી 2025-30’, ગિફ્ટ સિટીમાં ટેક્સ હોલિડે અને ધુવારણ ખાતે નવું સબમરીન કેબલ સ્ટેશન ઑફિસ બજારને વેગ આપી રહ્યા છે.
  • ફ્લેક્સિબલ વર્કસ્પેસ (Co-working): કો-વર્કિંગ સ્પેસની માંગમાં 212%નો જંગી વધારો થયો છે, જે કુલ ઑફિસ ટ્રાન્ઝેક્શનમાં 45% હિસ્સો ધરાવે છે.

3… નવા ઊભરતા મેગા સેન્ટર્સ (Emerging Urban Centres)

  • પહેલા અમદાવાદનો વિકાસ મોટાભાગે પશ્ચિમ દિશા (SG હાઇવે) તરફ જ થતો હતો, પરંતુ હવે ઉત્તર તરફ બે નવા પાવરહાઉસ કેન્દ્રો વિકસી રહ્યા છે.
  • ગિફ્ટ સિટી (GIFT City): ઉત્તર-પૂર્વમાં આવેલું આ દેશનું મોટું ફાઇનાન્શિયલ હબ બની ચૂક્યું છે. અહીં 600 થી વધુ કંપનીઓ અને 25,000 થી વધુ પ્રોફેશનલ્સ કામ કરતા હોવાથી તેની આસપાસના વિસ્તારો (ઝુંડાલ, રાંદેસણ, કોબા) માં પ્રીમિયમ લક્ઝરી ઘરોની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
  • મોટેરા (સ્પોર્ટ્સ કેપિટલ): ઉત્તર-પશ્ચિમમાં મોટેરાની આસપાસ બની રહેલું 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ' ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે. 2030 ની કોમનવેલ્થ ગેમ્સ માટે અહીં સ્ટેડિયમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ₹ 5,000 થી ₹ 6,000 કરોડનું રોકાણ થઈ રહ્યું છે.
  • આ બંને નવા કેન્દ્રો હવે મેટ્રો લાઇનથી સીધા જોડાઈ ગયા હોવાથી અમદાવાદના ઉત્તર તરફના વિકાસને બમણી ઝડપ મળી છે. બજારમાં એકંદરે હકારાત્મક માહોલ છે અને લાંબા ગાળાના રોકાણકારો માટે હજુ પણ સારી તકો રહેલી છે.