India

Explainer: મધ્ય પ્રદેશના જંગલો બચાવવા 1.47 લાખ વૃક્ષો કપાશે, જાણો શું છે ‘સાલ હાર્ટવુડ બોરર’નો વિનાશક પ્રકોપ

By GS Team
4 Oct 20264 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશના ડિંડોરી અને મંડલા જિલ્લાના સાલ જંગલોમાં 'હાર્ટવુડ બોરર' જીવાતે હાહાકાર મચાવ્યો છે. લાખો સાલ વૃક્ષો બચાવવા રાજ્ય સરકારે 1.47 લાખ સંક્રમિત વૃક્ષો કાપવાનો કઠોર નિર્ણય લીધો છે. વન વિભાગ અને ગ્રામજનો જીવાત પકડવા ટ્રેપ ટ્રીઝનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 19.25 લાખથી વધુ જીવાત પકડાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: મધ્ય પ્રદેશના જંગલો બચાવવા 1.47 લાખ વૃક્ષો કપાશે, જાણો શું છે ‘સાલ હાર્ટવુડ બોરર’નો વિનાશક પ્રકોપ

MP Cuts 1.47 Lakh Trees to Save Sal Forest : મધ્ય પ્રદેશના ડિંડોરી અને મંડલા જિલ્લાના જંગલોમાં અત્યારે એક નાનકડી જીવાતે આતંક મચાવ્યો છે. અહીંના જંગલોની શાન ગણાતા 'સાલ' વૃક્ષો પર 'હાર્ટવુડ બોરર' નામની ખતરનાક જીવાતે હુમલો કર્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જંગલને સંપૂર્ણ નાશ પામતું બચાવવા માટે સરકારે 1.47 લાખ જેટલા સાલ વૃક્ષો કાપવાનો કઠોર નિર્ણય લેવો પડ્યો છે. ચાલો જાણીએ કે આ સમસ્યા શું છે અને જંગલને બચાવવા શું પ્રયાસો થઈ રહ્યા છે.

સાલ વૃક્ષોનું અનોખું મહત્ત્વ

જેનું વૈજ્ઞાનિક નામ Shorea robusta છે એવું ‘સાલ’ વૃક્ષ મધ્ય ભારતના જંગલોનો પ્રાણ છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં તે મોટા પ્રમાણમાં જોવા મળે છે. કાન્હા અને પેંચ જેવા પ્રખ્યાત ટાઈગર રિઝર્વની હરિયાળી મુખ્યત્વે આ વૃક્ષોને જ આભારી છે.

આ વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ સ્થાનિક આદિવાસી સમુદાયો માટે પણ જીવાદોરી સમાન છે. તેનું લાકડું ખૂબ મજબૂત અને સડો ન લાગે તેવું હોય છે, જે દેશભરના બાંધકામ અને રેલવે સ્લીપર બનાવવામાં વપરાય છે. આ ઉપરાંત આદિવાસીઓ તેના બીજમાંથી નીકળતા તેલ (જે સાબુ અને મીઠાઈમાં વપરાય છે), પાંદડા (જેમાંથી પડિયા-પતરાળાં બને છે) અને થડમાંથી નીકળતા ગુંદર (જેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં ધૂપ તરીકે થાય છે) પર આર્થિક રીતે નિર્ભર છે. આ વૃક્ષો સાથે તેમની ઊંડી ધાર્મિક લાગણીઓ પણ જોડાયેલી છે.

'સાલ હાર્ટવુડ બોરર' નામના ખલનાયકની એન્ટ્રી

આ સુંદર જંગલોનો સૌથી મોટો દુશ્મન છે 'સાલ હાર્ટવુડ બોરર' (Hoplocerambyx spinicornis) નામની જીવાત. એક લાંબા શિંગડા (feelers) વાળું આ ભૃંગ (બીટલ) સાલ વૃક્ષના થડમાં કાણાં પાડીને તેને અંદરથી કોરી ખાય છે.

સામાન્ય રીતે આ જીવાત નબળા વૃક્ષોને જ નિશાન બનાવે છે. પરંતુ જ્યારે તેનો ઉપદ્રવ વધે છે, ત્યારે તે 20 સેમીથી વધુ ગોળાઈ ધરાવતા કોઈપણ સ્વસ્થ વૃક્ષનો જીવ લઈ શકે છે. આ જીવાતનું સૌથી વધુ નુકસાન 91 થી 150 સેમી ગોળાઈવાળા પરિપક્વ અને મોટા વૃક્ષોને થાય છે, જે ખરેખર જંગલનો મુખ્ય આધાર હોય છે. 1897 માં સૌપ્રથમવાર આ જીવાતને વૃક્ષો માટે ખતરા સમાન માનવામાં આવી હતી.

અગાઉ પણ આ જીવાત વૃક્ષોનો સફાયો કરી ચૂકી છે

ભારતમાં અત્યાર સુધીમાં આ જીવાતના હુમલાના 21 થી વધુ કિસ્સા નોંધાયા છે. 1997 થી 2000 ની વચ્ચે મધ્ય પ્રદેશ અને પડોશી રાજ્ય છત્તીસગઢમાં તેનો સૌથી ભયંકર પ્રકોપ જોવા મળ્યો હતો. તે સમયે 16.84 લાખ હેક્ટર સાલ જંગલમાંથી લગભગ 3 લાખ હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો હતો. ડિંડોરીની બાજુમાં આવેલા મંડલા જિલ્લામાં જ તે સમયે લગભગ 8 લાખ વૃક્ષોને નુકસાન પહોંચ્યું હતું.

જંગલને કેવી રીતે બચાવાઈ રહ્યું છે?

આ સમસ્યાને નાથવા માટે વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનો સાથે મળીને બે મુખ્ય પદ્ધતિ પર કામ કરી રહ્યા છે.

  1. ટ્રેપ ટ્રીઝ (વૃક્ષોની જાળ છટકું): વરસાદની શરૂઆત થતાં જ આ જીવાતને પકડવાનું અભિયાન શરૂ થાય છે. પસંદગીના અમુક વૃક્ષોને કાપીને તેની છાલ ઉતારી લેવામાં આવે છે. આ વૃક્ષોને 3 દિવસ સુધી એમ જ રહેવા દેવાય છે. તેમાંથી નીકળતો રસ પીવા માટે જીવાત રાત્રે બહાર આવે છે. સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ગામના લોકો આ જીવાતને હાથથી વીણીને થેલીઓ કે બરણીમાં ભરે છે. આ જીવાતના લાંબા સ્પર્શકોને ગૂંથીને તેની માળા બનાવાય છે જેથી તેને જિલ્લાના 8 સંગ્રહ કેન્દ્રો સુધી લઈ જવામાં સરળતા રહે.
    સરકાર ગ્રામજનોને 1 ભૃંગ પકડવા માટે 2 રૂપિયા આપે છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 19,25,118 જીવાત પકડાઈ છે, જેના પાછળ વન વિભાગે 38.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. આમ કરવાથી જીવાત ઈંડા મૂકીને પોતાની વસ્તી વધારે તે પહેલાં જ નાશ પામે છે.
  2. સ્વચ્છતા અભિયાન (વૃક્ષોની કાપણી): જે વૃક્ષો પહેલેથી જ ખરાબ રીતે ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે અને જેને બચાવવા અશક્ય છે, તેને કાપી નાખવામાં આવી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકારે 1.47 લાખ સાલ વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે. કુહાડીઓ વડે થતી આ કાપણીની કામગીરી લગભગ 4 મહિના ચાલશે. કાપવામાં આવેલું લાકડું બજારમાં વેચાણ માટે મોકલી દેવાય છે જેથી અન્ય સ્વસ્થ વૃક્ષોમાં ચેપ ન ફેલાય.

નિષ્ણાતોનો મત અને હવામાનની અસર

નિષ્ણાતોના મતે, આ એક ખૂબ મોટો પડકાર છે, કેમ કે આ જીવાતનો ઉપદ્રવ દર 30 વર્ષે એક મહામારીની જેમ પાછો ફરે છે. ગયા વર્ષે આ પ્રકોપ ઓછો હતો, પણ આ વર્ષે તે ખૂબ વધી ગયો છે.
નિષ્ણાતો જણાવે છે કે, ગયા વર્ષે પડેલો અસામાન્ય ભારે વરસાદ આ જીવાતના વિકાસ માટે જવાબદાર છે. માત્ર વૃક્ષો કાપવા એ કાયમી ઉકેલ નથી. રોગની શરૂઆતમાં જ તેની જાણ થઈ જવી જોઈએ. જીવાત પકડવાની પ્રક્રિયા આખું વર્ષ ચાલવી જોઈએ. વિજ્ઞાનીઓ હવે આ જીવાતને ખાનારા કુદરતી શિકારી જીવોને જંગલમાં છોડવા (જૈવિક નિયંત્રણ) બાબતે પણ અભ્યાસ કરી રહ્યા છે. જોકે તેની અન્ય આડઅસરો વિશે હજુ વધુ સંશોધનની જરૂર છે.

ટૂંકમાં, ડિંડોરીના જંગલોમાં હાલ પ્રકૃતિ અને જીવાત વચ્ચે એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હજારો વૃક્ષોનું બલિદાન આપીને લાખો વૃક્ષોને બચાવવાનો ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે.