For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક્ઝિટ પોલનો વરતારો : ઇવીએમના વાદળો એનડીએ પર વરસશે

- ઉ. પ્રદેશમાં ભાજપને 72માંથી માત્ર 22, પશ્ચિમ બંગાળમાં 42માંથી 16 બેઠક પર જીતનું અનુમાન

- જોકે બે એક્ઝિટ પોલના તારણ મુજબ એનડીએ બહુમતની નજીક જ પહોંચી શકશે

Updated: May 19th, 2019

Article Content Image

267થી 242 બેઠકનું અનુમાન: મોટા ભાગના પોલમાં એનડીએના વોટશેર વધવાનો અંદાજ, 40ને પાર પહોંચશે 

ત્રણ એક્ઝિટ પોલમાં એનડીએ 300ને પાર જવાની આગાહી, વિપક્ષે દાવા નકાર્યા 

પોલ માત્ર ગોસિપ, મુળ કારણ ઇવીએમની અદલા બદલી કરવાનું કાવતરુ : મમતાનો આક્ષેપ

નવી દિલ્હી, તા.19 મે, 2019, રવિવાર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, આ સ્થિતિ વચ્ચે વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જારી કરવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રમાં ફરી એનડીએની સરકાર બનવા જઇ રહી છે,

જ્યારે કેટલાક એક્ઝિટ પોલ ભાજપ એકલા હાથે સરકાર બનાવશે તેવો દાવો કરી રહ્યા છે જ્યારે કેટલાકનું તારણ છે કે ભાજપે અન્ય સાથી પક્ષોની મદદ લેવી પડશે તો જ બહુમત સુધી પહોંચી શકશે. સાથે જ એનડીએના વોટ શેર ગત લોકસભાની ચૂંટણી કરતા અંદાજીત પાંચથી દસ ટકા વધી શકે છે. 

વિવિધ એક્ઝિટ પોલ પર નજર કરીએ તો ટાઇમ્સ નાઉ દ્વારા બે પોલ જારી કરાયા જે મુજબ એનડીએને ૨૯૬ અને ૩૦૬ જ્યારે કોંગ્રેસને ૧૨૬ અને ૧૩૨ બેઠક આપવામાં આવી છે. તેવી જ રીતે સીવોટર રિપબ્લિક એક્ઝિટ પોલના જણાવ્યા અનુસાર એનડીએને ૨૮૭ અને યુપીએને ૧૨૮ બેઠક મળશે.

જોકે એબીપી ન્યૂઝ નિલ્સન અને નેટા ન્યૂઝ એક્સના જણાવ્યા અનુસાર વર્તમાન એનડીએને ૨૬૭ અને ૨૪૨ બેઠક મળશે. એબીપી ન્યૂઝ અને ન્યૂઝ એક્સે યુપીએને ૧૨૭ અને ૧૬૪ બેઠકો આપી છે. રવિવારે લોકસભાની ૫૪૨ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું. 

સીએનએન ન્યૂઝ૧૮-આઇપીસોસ એક્ઝિટ પોલ જણાવે છે કે ભાજપ એકલા હાથે બહુમત મેળવી લેશે જ્યારે એનડીએને ૩૩૬ બેઠક મળશે, તો કોંગ્રેસને અગાઉની જેમ ૪૬ બેઠક મળશે જ્યારે ગઠબંધનને ૮૨ બેઠક મળશે.

અગાઉ ૨૦૧૪માં એનડીએ ૩૩૬ બેઠક જીત્યુ હતું જ્યારે કોંગ્રેસને ૪૪ બેઠક મળી હતી. જોકે રાજ્ય પર નજર કરીએ તો ભાજપને સૌથી વધુ ફટકો ઉત્તર પ્રદેશમાં લાગી શકે છે, અહીં ગત ચૂંટણીમાં ભાજપે ૭૧ બેઠક જીતી હતી જોકે આ વખતે તેને સપા અને બસપાનું ગઠબંધન ટક્કર આપવામાં સફળ રહ્યું હોવાનું પોલનું તારણ છે.

 ઉત્તર પ્રદેશમાં સીવોટર-રિપબ્લિકના જણાવ્યા અનુસાર એનડીએને ૪૦ અને ગઠબંધનને ૩૮ જ્યારે જન કી બાતના દાવા મુજબ એનડીએને ૪૬-૫૭ અને સપા-બસપાને ૧૫થી ૨૯ બેઠક મળશે. જ્યારે એબીપી ન્યૂઝના જણાવ્યા અનુસાર ભાજપને અહીં માત્ર ૨૨ હેઠક મળશે જ્યારે ગઠબંધન ૫૬ બેઠક લઇ જઇ શકે છે.

પશ્ચિમ બંગાળમાં સી-વોટર અને એબીપીના જણાવ્યા મુજબ ભાજપ ૧૧ અને ૧૬ બેઠક મેળવી શકે છે જ્યારે ગત ચૂંટણીમાં માત્ર બે જ બેઠક મળી હતી. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતાએ જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ માત્ર ગોસિપ  અને ઇવીએમ બદલવા માટેનો ગેમ પ્લાન છે, હંુ તેના પર વિશ્વાસ નથી કરતી.

Gujarat