Get The App

ઓપરેશન સિંદૂર બાદ પાક. સરહદે ભારતીય સૈન્યનું મોટું યુદ્ધાભ્યાસ, ટેન્ક-ફાઈટર જેટ ગર્જ્યા

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
Exercise Marujwala Indian Army


Exercise Marujwala Indian Army: રાજસ્થાનના જેસલમેરના રણ પ્રદેશમાં, જે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે, ત્યાં ત્રણેય ભારતીય સેનાઓ દ્વારા 'ઓપરેશન ત્રિશૂળ' નામનો યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. આ 12-દિવસીય અભ્યાસના 11મા દિવસે સેનાએ વિશાળ યુદ્ધાભ્યાસ 'મરુ જ્વાલા' યોજ્યો હતો. આને 'ઓપરેશન સિંદૂર' પછીનો ત્રણેય સેનાઓનો સૌથી મોટો સંયુક્ત અભ્યાસ ગણવામાં આવે છે.

રાજસ્થાન, ગુજરાત, ઉત્તર અરબ સાગરમાં 'ત્રિશૂળ' અભ્યાસ

ભારતીય સુરક્ષા દળોએ રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર અરબ સાગરમાં ત્રિ-સેવા અભ્યાસ 'ત્રિશૂળ' હાથ ધર્યો હતો અને ધરતીથી લઈને આકાશ સુધીની પોતાની મારક ક્ષમતાનું જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે ચાલી રહેલી એક્સરસાઇઝ 'ત્રિશૂળ' દરમિયાન આર્મી એવિએશનની ઑપરેશનલ તૈયારી અને એકીકરણની સંપૂર્ણ સમીક્ષા કરી.

જાણકારી મુજબ, આર્મી કમાન્ડરે જેસલમેરમાં એક ફૉર્વર્ડ ઑપરેટિંગ એવિએશન બેઝની મુલાકાત લીધી હતી. આ બેઝ રણ વિસ્તારમાં 'મરુજ્વાલા' અભ્યાસ અને 'અખંડ પ્રહાર' અભ્યાસના ભાગરૂપે જમીની મૅનૂવર ફોર્સ સાથે મળીને 24x7 દિવસ-રાત ઑપરેશન કરી રહ્યો છે.

ત્રણેય સેનાનું સંયુક્ત હુમલાનું પ્રદર્શન

'ઓપરેશન ત્રિશૂળ' હેઠળ ત્રણેય સેના આર્મી, એરફોર્સ અને નેવીના યુનિટએ એકસાથે દુશ્મન ચોકીઓ અને આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાનું પ્રદર્શન કર્યું. અભ્યાસમાં ડ્રોન દ્વારા દુશ્મન ઠેકાણાઓની ઓળખ કરાઈ અને આસપાસના ગામો ખાલી કરાવવામાં આવ્યા. હેલિકોપ્ટરે T-90 ટેન્કને કવર ફાયર આપ્યું, જ્યારે AI-સક્ષમ ડ્રોન અને રોબોટિક મ્યૂલ દ્વારા સૈનિકો સુધી હથિયાર અને ફર્સ્ટ એઇડ પહોંચાડવામાં આવી.

આ દરમિયાન, રણમાં ટેન્ક, તોપો, હેલિકોપ્ટર અને ફાઇટર જેટની સંયુક્ત કાર્યવાહી જોવા મળી. સધર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે આ અભ્યાસનું નેતૃત્વ કર્યું અને તેને સેનાના 'JAI મંત્ર' (Jointness, Atmanirbharta અને Innovation)નું જીવંત ઉદાહરણ ગણાવ્યું.

આ પણ વાંચો: 'નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત...', દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો

'મરુજ્વાલા' દ્વારા સ્વદેશી હથિયારો, સંચાર પ્રણાલીઓ અને કાઉન્ટર-ડ્રોન ટેકનિકોને રણની કઠોર પરિસ્થિતિઓમાં ચકાસવામાં આવ્યા. આ યુદ્ધાભ્યાસ માત્ર શક્તિ પ્રદર્શન જ નહોતું, પરંતુ આધુનિક યુદ્ધમાં ભારતીય સેનાઓની સંયુક્ત કાર્યવાહી અને તકનીકી આત્મનિર્ભરતાનો પણ પુરાવો બન્યો.

રણમાં સેનાનો મોટા પાયે અભ્યાસ

આ અભ્યાસ હેઠળ ભારતીય સેનાએ રણમાં પણ મોટા પાયે અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં થાર રૅપ્ટર બ્રિગેડના હેલિકોપ્ટર અને સુદર્શન ચક્રના ટેન્કોએ સાથે મળીને અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં હેલિકોપ્ટરએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી, જેમાં જાસૂસી કરવી, સૈનિકોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા અને જમીની સૈનિકોને હવાઈ મદદ પહોંચાડવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ એક્સરસાઇઝ સધર્ન કમાન્ડના રણ યુદ્ધાભ્યાસ 'મરુજ્વાલા' અને 'અખંડ પ્રહાર' નો પણ એક ભાગ હતી.

સૈનિકોની કાર્યક્ષમતાની પ્રશંસા

આ એક્સરસાઇઝનું નેતૃત્વ સધર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આર્મીની મિકેનાઇઝ્ડ અને આર્મર્ડ કોરની ટેન્કોની સાથે એરફોર્સના ફાઇટર જેટ્સે પણ પોતાનું દમખમ બતાવ્યું. સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે યુદ્ધ ક્ષેત્રનું નિરીક્ષણ કરીને સૈનિકોની કાર્યક્ષમતાની પ્રશંસા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

ઓપરેશન સિંદૂર બાદ પાક. સરહદે ભારતીય સૈન્યનું મોટું યુદ્ધાભ્યાસ, ટેન્ક-ફાઈટર જેટ ગર્જ્યા 2 - image

Tags :