ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને બાહુબલી નેતા હરિશંકર તિવારીનું નિધન, ઘણા સમયથી હતા બીમાર
હરિશંકર તિવારી ઘણા સમયથી બીમાર હતા, ધારાસભ્ય હોવા ઉપરાંત તેઓ 6 વખત કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે
હરિશંકર તિવારી કલ્યાણ સિંહથી લઈને મુલાયમ સિંહ યાદવની સરકારમાં વિવિધ વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે
લખનઉ, તા.16 મે-2023, મંગળવાર
ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને બાહુબલી નેતા હરિશંકર તિવારીનું ગોરખપુરમાં નિધન થયું છે. સાંજે 6:30 કલાકે હરિશંકર તિવારીએ 86 વર્ષની વયે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. હરિશંકર તિવારી ઘણા સમયથી બીમાર હતા. ધારાસભ્ય હોવા ઉપરાંત તેઓ 6 વખત કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ગુનાની દુનિયામાંથી રાજકારણમાં પગ મૂકનાર હરિશંકર તિવારીની ગણતરી પૂર્વાંચલના મોટા બાહુબલીઓમાં થતી હતી.
હરિશંકર તિવારી પૂર્વાંચલના મોટા બ્રાહ્મણ નેતા તરીકે જાણીતા હતા
એટલું જ નહીં હરિશંકર તિવારી પૂર્વાંચલના મોટા બ્રાહ્મણ નેતા તરીકે જાણીતા હતા. તેઓ લોકતાંત્રિક કોંગ્રેસના સ્થાપક પણ હતા. તેમણે ગોરખપુરના ધર્મશાળા બજારમાં તિવારી હાટામાં અંતિમ શ્વાસ લીધા. બડહાલગંજના ટાંડા ગામમાં જન્મેલા હરિશંકર તિવારી ચિલ્લૂપારથી 6 વખત ધારાસભ્ય અને કલ્યાણ સિંહથી લઈને મુલાયમ સિંહ યાદવની સરકારમાં વિવિધ વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે. તેમના મૃત્યુ સમયે તેમના મોટા પુત્ર પૂર્વ સાંસદ ભીષ્મ શંકર ઉર્ફે કુશલ તિવારી અને પૂર્વ ધારાસભ્ય વિનય શંકર તિવારી ઘરે ઉપસ્થિત હતા.
અખિલેશ યાદવે હરિશંકર તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે હરિશંકર તિવારીના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, પૂર્વ મંત્રી હરિશંકર તિવારી જીનું નિધન, અત્યંત દુખદ ! ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવભીની શ્રદ્ધાંજલી !
ભાજપ સાંસદ રવિ કિશને પણ શોક વ્યક્ત કર્યો
ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશને પણ હરિશંકર તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું કે, પૂર્વ મંત્રી હરિશંકર તિવારીએ ગોરખપુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. મહાદેવ પોતાના ચરણોમાં સ્થાન આપે.