ઈવ વિકલીનાં પત્રકાર ગુલશન ઈવનું કોરોનાથી લંડનમાં મોત
- ઈવિંગે ફિલ્મ પત્રકારત્વમાં નવા સિમાચિહ્નો સ્થાપ્યા હતા
- ઈવિંગ 1960ના દાયકામાં ભારતીય પ્રકાશનોમાં પ્રથમ મહિલા એડિટર્સમાં સ્થાન ધરાવતા હતા
નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
ભારતમાં સામયિકોના પ્રણેતા અને મહિલા પત્રકાર ગુલશન ઈવિંગનું મંગળવારે લંડનમાં એક કેર હોમમાં ૯૨ વર્ષની વયે કોરોનાથી નિધન થયું હતું.
તેઓ શનિવારે કોરોનાની ઝપટમાં આવ્યા બાદ તેમને કેર હોમમાં ખસેડાયા હતા તેમ તેમની પુત્રીએ જણાવ્યું હતું. ગુલશન ઈવિંગે બોલીવૂડ અને હોલિવૂડની અનેક હસ્તીઓના ઈન્ટર્વ્યૂ કર્યા હતા.
પત્રકારત્વના ક્ષેત્રે ૩૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતાં ઈવિંગે ફેશન અને ફિલ્મ મેગેઝિન સ્ટાર અને સ્ટાઈલ તથા ઈવ્સ વીકલીના એડિટર તરીકે લાંબા સમય સુધી સેવા આપી હતી. હાઈ-પ્રોફાઈલ સોસાયટી જર્નાલિસ્ટ ઈવિંગે ગ્રેગરી પેક, કેરી ગ્રાન્ટ, રોજર મૂર અને એવા ગાર્ડનર સહિત વિશ્વના અનેક મોટા સ્ટાર્સના ઈન્ટર્વ્યૂ કર્યા હતા.
ઈવિંગનો જન્મ વર્ષ ૧૯૨૮માં બોમ્બેમાં એક પારસી પરિવારમાં થયો હતો. ઈવિંગ ૧૯૬૦ના દાયકાના મધ્યથી અગ્રણી ભારતીય પ્રકાશનોના પ્રથમ મહિલા એડિટર્સમાંના એક હતા. તેમણે ફિલ્મ પત્રકારત્વમાં નવા સિમાચિહ્નો સર કર્યા હતા અને મહિલા વાચકો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ગુલશન ઈવિંગ ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં મુંબઈ સ્થિત લેખકો, તંત્રીઓ અને પત્રકારોના અગ્રણી જૂથમાં સ્થાન ધરાવતા હતા, જેમાં ખુશવંત સિંહ, બી. કે. કરંજિયા, ડોમ મોરાએસ અને વિમલા પાટીલનો સમાવેશ થતો હતો.