નાના બાળકો પણ સુરક્ષિત નહીં: 10 વર્ષના છોકરા સાથે દુષ્કર્મ બાદ ગુપ્તાંગમાં નાંખ્યો સળિયો
- 3 પૈકીના 2 આરોપી સગીરો પીડિતના મિત્રો જ હતા અને એક કૌટુંબિક સગપણમાં ભાઈ છે
નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર
રાજધાની દિલ્હીમાં યમુનાપારના સીલમપુર વિસ્તારમાં રહેતા એક 10 વર્ષના બાળક સાથે નિર્ભયા જેવી હેવાનિયતની ઘટના બની છે. એથી પણ વધારે ખરાબ વાત એ છે કે, ત્રણેય આરોપીઓ 11-12 વર્ષના સગીરો જ છે. તેમણે બાળક સાથે કુકર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. ઉપરાંત તે બાળક સાથે સળિયા અને ઈંટ વડે મારપીટ પણ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ ડરી ગયેલું બાળક કોઈને કશું નહોતું જણાવી શક્યું. પરંતુ તેની તબિયત ખરાબ થઈ ગયા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
હોસ્પિટલે પોલીસને બાળક સાથે બનેલી હેવાનિયતની ઘટના અંગે જાણ કરી હતી. બાળકના પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચેલી પોલીસને આ અંગે કેસ દાખલ કરવા મનાઈ કરી દીધી હતી પરંતુ કાઉન્સેલિંગ બાદ તેઓ કેસ કરવા માટે તૈયાર થયા હતા. બાદમાં પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની અનેક કલમો અંતર્ગત કેસ દાખલ કરીને 2 સગીર આરોપીઓને ઝડપી લીધા છે.
બંને સગીર આરોપીઓને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે પીડિત બાળક હાલ આઈસીયુ વોર્ડમાં સારવાર અંતર્ગત છે. પીડિત બાળક સરકારી શાળામાં 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. ગત 18 સપ્ટેમ્બરના રોજ 3 છોકરાઓ તેને સૂમસામ સ્થળે લઈ ગયા હતા અને તેના સાથે બળજબરીથી કુકર્મ કર્યું હતું.
બાળકે વિરોધ કર્યો એટલે આરોપીઓએ સળિયા અને ઈંટ વડે તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં ડરાવવા માટે તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. સાથે જ ધમકી પણ આપી હતી કે, જો કોઈને આ ઘટના અંગે જાણ કરવામાં આવશે તો આનાથી વધારે ખરાબ હાલત કરવામાં આવશે. બાદમાં 22મી સપ્ટેમ્બરે બાળકની સ્થિતિ વધુ ખરાબ થયા બાદ સમગ્ર ઘટના અંગે ખુલાસો થયો હતો.
બંને આરોપીઓ પીડિતના મિત્રો
એનજીઓની મદદથી પીડિતની માતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં તેમણે 3 પૈકીના બે આરોપીઓ બાળકના મિત્રો હોવાની માહિતી આપી હતી. 11-12 વર્ષની ઉંમર ધરાવતા બંને આરોપી પૈકીનો એક છોકરો પીડિતનો કૌટુંબિક સગપણમાં ભાઈ છે. જ્યારે ત્રીજા આરોપીની તપાસ ચાલી રહી છે.
મહિલા આયોગે પોલીસને આ મામલે નોટિસ પાઠવીને કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો છે અને ધરપકડમાં વિલંબ અંગે સવાલ કર્યા છે.