India

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઇન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભયાનક હિંસા ફાટી નીકળતાં MV-26 ગામમાં ભય અને તણાવનો માહોલ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ MV-26 ગામમાં પ્રવેશ કરીને 100થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં લૂંટફાટ અને હિંસક મારામારીની ઘટનાઓ પણ બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઇન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ

Odisha Violence: ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભયાનક હિંસા ફાટી નીકળતાં MV-26 ગામમાં ભય અને તણાવનો માહોલ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ MV-26 ગામમાં પ્રવેશ કરીને 100થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં લૂંટફાટ અને હિંસક મારામારીની ઘટનાઓ પણ બની હતી.

હત્યા બાદ હિંસાનું તાંડવ

અહેવાલો અનુસાર, આ હિંસાનું મૂળ કારણ રાખલગુડા ગામની 51 વર્ષીય આદિવાસી મહિલા લેક પદિયામીની હત્યા છે. લેક પદિયામી ત્રીજી ડિસેમ્બરથી ગુમ હતી અને ચોથી ડિસેમ્બરે દુદામેટ્ટા નદીના કિનારે તેનું માથું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોને શંકા હતી કે લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને કારણે મહિલાની હત્યા કરવામાં આવી છે. હત્યાથી રોષે ભરાયેલા મોટી સંખ્યામાં લોકો હથિયારો સાથે MV-26 ગામમાં ઘૂસી ગયા અને લૂંટફાટ મચાવી આગ ચાંપી દીધી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

કર્ફ્યુ, ઇન્ટરનેટ બંધ અને સુરક્ષા દળો તહેનાત

હિંસા ફાટી નીકળતાંની સાથે જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. હુમલાને કારણે લગભગ એક હજાર લોકો રાતોરાત પોતાનું ગામ છોડીને ભાગી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે તાત્કાલિક કર્ફ્યુ લાદી દીધો છે અને 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ટુકડી તહેનાત કરવામાં આવી છે.

તપાસ અને શાંતિ સમિતિ

પોલીસ અધિક્ષક વિનોદ પાટીલે જણાવ્યું કે, 'હત્યાના બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.' ડીજીપી વાય. બી. ખુરાનિયાએ માઓવાદીઓ પરિસ્થિતિનો લાભ ન લે તે માટે વ્યક્તિગત રીતે ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર સોમેશ ઉપાધ્યાયે મંગળવારે બંને પક્ષના લોકોની શાંતિ સમિતિની બેઠક બોલાવવાની જાહેરાત કરી છે.

વિધાનસભામાં ગુંજ્યો મુદ્દો

આ ગંભીર મુદ્દો ઓડિશા વિધાનસભા સુધી પહોંચ્યો હતો. સત્તાધારી બીજુ જનતા દળના ધારાસભ્ય પ્રતાપ કેશરી દેબે ભાજપ સરકાર પર જમીન વિવાદનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં ભાજપના ધારાસભ્ય ટંકધર ત્રિપાઠીએ કહ્યું હતું કે વર્તમાન સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે, જે પાછલી સરકારોએ નહોતા લીધા.