India

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું

By GS TEAM
17 Nov 20252 mins read
બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું

- શેખ હસીના વિરૂદ્ધ ચુકાદો આવતા પહેલાં જ

- અવામી લીગે હડતાળનું એલાન કર્યું તે પહેલાં જ દેશના તમામ શહેરો, ગામોમાં સખત હડતાળ : શોકનું માતમ

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ફરી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. એકવાર ફરી હિંસા ભડકી ઉઠી છે. બંગ બંધુ શેખ-મુજીબ-ઉર રહેમાનના પુત્રી શેખ હસીનાને બાંગ્લાદેશ સ્થિત ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટે ફાંસીની સજા ફરમાવી દીધી છે પરંતુ શેખ હસીના નવી દિલ્હીમાં અજ્ઞાાત સ્થળે સુરક્ષિત છે તેવામાં બાંગ્લાદેશના તમામ શહેરોમાં ચૂકાદા પહેલાં જ વ્યાપક હિંસા ભડકી ઊઠી હતી. રમખાણો એટલી હદે વ્યાપક બન્યા કે, યુનુસ સરકારની પોલીસે પહેલા લાઠીચાર્જ ટીયરગેસ ચલાવ્યા છતાં રમખાણો ઉગ્ર બનતા દેખો-ત્યાં ઠારનો હુકમ કરવો પડયો છે. 

દેશભરમાં 'હાઇ એલર્ટ' જાહેર કરવી પડી છે. વાસ્તવમાં ગઈકાલ મોડી રાતથી જ 'અવામી લીગ'ના કાર્યકરો રસ્તા પર આવી ગયા હતા. તેમણે તોફાનો કર્યા હતા અને સરકારી મકાનોને આગ લગાડી દીધી હતી. મુખ્ય વિસ્તારોમાં બાંગ્લાદેશ બોર્ડર ફોર્સ (બીબીએફ) તૈનાત કરી દેવાયું હતું. વચગાળાની યુનુસ સરકારે સૌથી મોટી મૂર્ખતા તો એ કરી હતી કે મહત્ત્વના માર્ગોના ચાર રસ્તાઓ પર વિશાળ સ્ક્રીન્સ મૂકી ચુકાદાનું પ્રસારણ શરૂ કરી દીધુ હતું, આથી ઘુંઘવાયેલા અનામી લીગના કાર્યકરો રણે ચઢ્યા હતા.

બીજી તરફ અવામી લીગના કાર્યકરોએ 'બાંગ્લાદેશ બંધ'નું એલાન આપી દીધું હતું પરંતુ વાસ્તવમાં તે પૂર્વે જ દેશભરના શહેરોમાં અને ગામડાઓમાં પણ વેપારીઓએ સ્વેચ્છાએ જ હડતાળ પાડી દીધી હતી. દેશમાં શોકનું અને ક્રોધનું વાતાવરણ છવાઈ રહ્યું છે. ટૂંકમાં, હિંસાના પગલે બાંગ્લાદેશમાં વ્યાપક અંધાધૂંધી અને અરાજકતા વધ્યા છે. પાકિસ્તાન અને ચીનની પીઠ્ઠુ બની રહેલુ યુનુસ સરકારના પતનના ભણકારા વાગી રહ્યા છે.