Army Jawan Pramod Jadhav Funeral In Maharashtra : મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના આરેદરે ગામમાં ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની અંતિમ વિદાય વખતે આખું રડી પડ્યું. આર્મી જવાન પ્રમોદ થોડા દિવસ પહેલા રજા પર ઘરે આવ્યા હતા. જેમાં એક માર્ગ અકસ્માતે પ્રમોદની જિંદગી છીનવી લીધી હતી. પ્રમોદના પત્ની પ્રેગ્નેન્ટ હતા. જે ઘરમાં ખુશીઓ આવાની હતી, આજે આ ઘર પર શોક છવાયો છે. પ્રમોદના અંતિમ દર્શન કરવા માટે તેમની પત્ની અને નવજાત પુત્રી સ્ટ્રેચર પર આવ્યા હતા. આ દ્રશ્યે સૌકોઈને રડાવ્યા હતા.
અંતિમ દર્શન માટે સ્ટ્રેચર પર આવી પત્ની, નવજાત પુત્રી
આર્મી જવાન પ્રમોદ જાધવના નિધનના થોડા કલાકો બાદ તેમની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગામમાં શોક છવાયો હતો. સૈન્ય અને વહીવટીતંત્રની હાજરીમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ. સૌથી હૃદયદ્રાવક પળ ત્યારે આવી જ્યારે પ્રમોદ જાધવની પત્નીને અંતિમ દર્શન માટે સ્ટ્રેચર પર હોસ્પિટલમાંથી સીધા લાવવામાં આવ્યા હતા.
આગળ જે દ્રશ્ય બન્યું તે જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. આઠ કલાક પહેલા જન્મેલી દીકરીને તેના પિતા પાસે લઈ જવામાં આવી. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર સૌકોઈ રડી પડ્યા. કેટલાકે પોતાના આંસુ લૂછ્યા, જ્યારે કેટલાક નીચી આંખો સાથે ઊભા રહ્યા.
આ પણ વાંચો: VIDEO: 15 કરોડનું ડિજિટલ ફ્રોડ, UNમાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી દંપતીએ ગુમાવી
પ્રમોદ જાધવને રાજકીય સન્માન સાથે સેના દ્વારા સલામી આપવામાં આવી. ગામલોકો, સંબંધીઓ, વહીવટી અધિકારીઓ દરેક વ્યક્તિની આંખો આંસુથી છલકાઈ હતી.


