- હાથી હજી પણ વનવિભાગની પક્કડમાં ન આવતા લોકોમાં ડર
- હાથીએ છ તારીખના હુમલામાં એક જ ગામના સાત લોકોને મોતને ઘાટ ઉતાર્યા, તેમા એક જ કુટુંબના ચારને પટકી-પટકી માર્યા
ચાઈબાસા (ઝારખંડ) : ઝારખંડમાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં હાથીએ નવ દિવસમાં ૧૯ને મોતને ઘાટ ઉતાર્યા છે અને હજી પણ આ હાથી વનવિભાગની પક્કડમાં આવ્યો નથી. હાથી ફક્ત હાથી ન રહેતા જાણે સીરિયલ કિલર બની ગયો છે. આના કારણે ઝારખંડ-ઓડિશાની સીમા પર આવેલા બેનીસાગર ગામમાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. શુક્રવારે જ ગામમાં હાથીના હુમલામાં બેના મોત થયા હતા.
પહેલા વાઘ લોહી ચાખી ગયો છે તેમ કહેવાતુ હતુ, હવે તો આ કિસ્સામાં જાણે એવું લાગી રહ્યું છે કે હાથી માનવીનું લોહી ચાખી ગયો લાગે છે. બેનીસાગર ગામમાં હાથીએ કરેલા હુમલામાં ૪૦ વર્ષના પ્રકાશ માલવા અને એક સગીરનું મોત થયું હતું.
હાથીએ બંનેને પછાડી-પછાડીને મારી નાખ્યા હતા. આ ઘટના પછી હાથી લાંબા સમય સુધી બાળકના મૃતદેહ પાસે ઊભો રહ્યો હતો અને તેના કારણે આખા ગામમાં જ નહીં આખા વિસ્તારમાં ડરનું વાતાવરણ ફેલાઈ ગયું છે.આ ઘટનાની જાણકારી મળતા જ વનવિભાગની ટીમ અને મઝગાંવ પોલીસ ઘટનાસ્થળે પહોચી અને ગ્રામીણોને સલામત સ્થળે રહેવાનું કહેવામાં આવ્યું. આ પહેલા છ જાન્યુઆરીની રાતે પણ જિલ્લામાં હાથીએ આતંક મચાવ્યો હતો. નોવામુંડીના બાબાડિયા ગામ અને હાટગમ્હરિયાના સિયાલજોડા ગામમાં એક જ રાતમાં સાત ગ્રામીણોને હાથીએ મોતને ઘાટ ઉતાર્યા હતા. હાથીના ઝૂંડમાંથી એક હાથી છૂટો પડયો હતો અને તે ગામમાં ઘૂસી આવ્યો હતો. તેણે ગામમાં સૂતા લોકોને નિશાન બનાવ્યા હતા.
સૌથી ભયાનક ઘટના તો બાબાડિયા ગામની મુંડા સાઇ ગલીમાં થઈ. હાથીએ અહીં સૂઈ રહેલા એક જ કુટુંબના ચાર સભ્યો સનાતન મેરાલ, પત્ની જોલકો કુઇ, છ વર્ષના મંગડુ મેરાલ અને આઠ વર્ષીય દમયંતી મેરાલને મોતને ઘાટ ઉતારી હતી. હાથીએ તેમને સૂંઢથી પટકી-પટકીને મારી નાખ્યા હતા. દસ વર્ષની પુત્રી સુશીલા મેરાલ ગંભીર રીતે ઇજા પામી હતી તો ૧૪ વર્ષીય પુત્ર જયપાલ મેરાલ કોઈ રીતે જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યો હતો.
તેના પછી હાથીએ ઉલીહાતુ ગામમાં પહોંચીને ૨૧ વર્ષના ગુરુચરણ લાગુરીને કચડી નાખ્યો હતો. તેના પછી બડાપાસેયા ગામમાં પણ હાથીના હુમલામાં મંગલ બોબોગા નામની વ્યક્તિનું મોત થયું હતું. આ ઉપરાંત હાથીએ માતા-પુત્ર પર હુમલો કર્યો હતો, તેમા પુત્રનું મોત થયું હતું. વનવિભાગનું કહેવું છે કે આ હુમલા એક જ હાથીએ કર્યા છે. તે સતત જુદાં-જુદા ગામોમાં ઘૂસીને હુમલા કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી જાનહાનિ છતાં પણ વનવિભાગ એક હાથીને અંકુશમાં લાવી શક્યું નથી.


