દેશભરમાં વીજળી મોંઘી થઇ શકે છે.... સુપ્રીમ કોર્ટનો સરકારને ઝટકો, કંપનીઓની તરફેણમાં ચુકાદો
Supreme Court News : દેશભરમાં વીજળી બિલ મોંઘા થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે તેઓ વીજળી પુરી પાડતી કંપનીઓને ચુકવવાના થતા બાકી નાણા ચાર વર્ષની અંદર ચુકવી આપે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે જે પણ રાજ્યોએ કંપનીઓને મોટી રકમ ચુકવવાની બાકી છે ત્યાં વીજળી મોંઘી થઇ શકે છે તેથી સ્વાભાવિક છે કે વીજબિલ વધશે. દેશભરમાં વીજ કંપનીઓને ચુકવવાના થતા નાણાની આશરે રકમ 1.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઇ ગઇ છે.
નિષ્ણાતોના દાવા મુજબ વીજળીની કિમત વ્યક્તિગત, રહેણાંક, વેપાર કે ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રમાં આગામી ચાર વર્ષ સુધી વધી શકે છે. વીજ કંપનીઓ અને સરકારો વચ્ચે વર્ષોથી નાણાકીય વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ દિલ્હીનો આવો એક વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. દિલ્હીની વીજળી વિતરણ કંપનીઓ બીએસઇએસ યમુના પાવર, બીએસઇએસ રાજધાની અને ટાટા પાવર દિલ્હી ડિ. લિ. દ્વારા આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે આ કંપનીઓની અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેસનો વ્યાપ વધારી દીધો અને તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને જોડવામાં આવ્યા અને દેશવ્યાપી આદેશ જારી કર્યો.
સુપ્રીમના ન્યાયાધીશ પીએસ નરસિમ્હા અને અતુલ એસ ચંદુરકરની બેંચે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને આદેશ આપ્યો તો અને બાકીના નાણા પરત કઢાવવા માટે ચોક્કસ રોડમેપ તૈયાર કરવા કહ્યું હતું. આ આદેશનો યોગ્ય રીતે અમલ થાય તે માટે વીજળી વિવાદો માટેની ટ્રિબ્યૂનલને દેખરેખ રાખવા માટે કહ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં વીજળીની કિંમતો વધારવાની છૂટ આપી દીધી છે. ૅજોકે સાથે જ એવી સ્પષ્ટતા કરી છે કે વીજળીના ભાવ ગ્રાહકોને પોસાય તેવા હોવા જોઇએ. વીજળી વિતરણ કંપનીઓ વર્ષોથી વીજ કિમતો વધારવાની છૂટ આપવાની માગણી કરી રહી હતી, અને દાવો કર્યો હતો કે તાજેતરના ભાવે વીજળી વેચવાથી કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે. વીજળી ઉત્પાદન અને વિતરણ પાછળનો ખર્ચો સતત વધી રહ્યો છે.
દિલ્હીના ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને વીજળીની કિમતોમાં વધારો કરવાની કંપનીઓની માગણી ઠુકરાવી હતી, જે બાદ કંપનીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. દિલ્હીમાં વીજળી પુરી પાડતી કંપનીઓની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આવરી લીધા છે. અને વીજ કંપનીઓને આપવાના થતા બાકી નાણા ચુકવી દેવા રાજ્યોને આદેશ આપ્યો છે. આ નાણા ચુકવવા માટે હાલ ચાર વર્ષનો સમય ફાળવવામાં આવ્યો છે.