Electric Vehicle New Rule : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સલામતીનો મહત્ત્વનો નિર્ણય લઈને પહેલી ઓક્ટોબર-2027થી દેશમાં ચાલતી તમામ ઈલેક્ટ્રિક કારો, બસો અને ટ્રકોમાં ‘ધ્વનિક વાહન ચેતવણી પ્રણાલી’ (AVAS)ને ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણય ખાસ કરીને ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનો માટે લેવામાં આવ્યો છે.
અવાજ વગરના ઈવીથી અકસ્માતનું જોખમ
વાસ્તવમાં ઈલેક્ટ્રિક વાહનો ઓછી ગતિએ અને અવાજ વગરના હોય છે, જેના કારણે પગપાળા ચાલતા લોકો, દૃષ્ટિહીન વ્યક્તિઓને તેનો અવાજ સંભળાતો નથી, જેનાથી અકસ્માતનું જોખમ વધે છે. હવે આ સમસ્યાનો નિવેડો લાવવા માટે ઈલેક્ટ્રી વાહનોમાં ફરજિયાત અવાસ સિસ્ટમ લગાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ સિસ્ટમ સ્પીકરો થકી કૃત્રિમ અવાજ ઉત્પન્ન કરશે.
આ પણ વાંચો : હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે... રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી
અવાસ સિસ્ટમની ખાસીયત
અવાસ સિસ્ટમથી અવાજની તીવ્રતા અને અવાજ વાહનની ગતિ અને દિશા અનુસાર બદલાતા રહેશે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનો સહિત પગપાલા ચાલતા લોકોને ઈલેક્ટ્રીક વાહન હોવાનો ખ્યાલ આવશે.
મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું
મંત્રાલયે આ અંગે નોટિફિકેશનમાં બહાર પાડ્યું છે. તેમાં જણાવાયું છે કે, એમ અને એન કેટેગરીના ઈલેક્ટ્રિક વાહનોને હવે ફરજિયાતપણે આ સિસ્ટમ લગાવવી પડશે. આ નિયમ નવા મોડલો માટે પહેલી ઓક્ટોબર-2026 અથવા ત્યાર પછી લાગુ થશે, જ્યારે બજારમાં હાલમાં ચાલી રહેલા મોડલોને આ ફેરફાર પહેલી ઓક્ટોબર-2027 સુધીમાં કરવો ફરજિયાત છે. અમેરિકા, જાપાન અને યુરોપિયન યુનિયન સહિતના કેટલાક દેશોએ પહેલેથી જ તેમના હાઇબ્રિડ વાહનોમાં આ ધ્વનિ પ્રણાલીનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે.


