ઈલેક્ટ્રીક સ્કુટર્સ અને મોટરસાઈકલ પર મળતી સબસિડીમાં ઘટાડો થશે, 1 જૂનથી તમારા ખિચ્ચા પર પડશે આટલો બોજો
નવી દિલ્હી, તા.25 મે-2023, ગુરુવાર
દેશમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની કિંમતમાં 1 જૂન-2023થી 20 હજારથી 38 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર મળતી સબસિડી 1 જૂનથી ઘટાડવાની તૈયારીઓ કરી રહી છે. જેના કારણે કંપનીઓ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની કિંમતમાં વધારો કરી શકે છે. કેન્દ્ર સરકાર પહેલી જૂનથી પ્રતિ કિલોવોટ સબસિડી રૂ.15 હજારથી ઘટાડીને રૂ.10 હજાર પ્રતિ કિલોવોટ કરશે, જેના કારણે સબસિડીની મહત્તમ મર્યાદા 60 હજારથી ઘટાડીને રૂ.22500 થઈ જશે. આવી સ્થિતિમાં એવું મનાય છે કે 1 જૂનથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ પર અસર પડશે.
હાલ દેશમાં વાર્ષિક વેચાતા ટુ-વ્હીલર્સમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો માત્ર 5%
સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલે જણાવ્યું કે, ગત નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 7.80 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નોંધાયું હતું. કેન્દ્રના આ નિર્ણય બાદ હવે ચાલુ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 9થી 10 લાખ વાહનોનું જ વેચાણ થશે, કારણ કે અચાનક રૂ.20 હજારથી 38 હજાર વધી જવાના કારણે ખરીદદારો પીછેહઠ કરશે. હાલ દેશમાં વાર્ષિક વેચાતા ટુ-વ્હીલર્સમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો માત્ર પાંચ ટકા છે. હાલમાં દેશમાં ટુ-વ્હીલરનું વાર્ષિક વેચાણ આશરે 1.6 કરોડ છે.
1 જૂનથી તમારા ખિસ્સા પર કેટલો બોજ વધશે ?
કેન્દ્ર સરકાર આગામી 2-3 વર્ષમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનો હિસ્સો 30 ટકા સુધી વધારવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ હવે સબસિડી ઘટાડ્યા બાદ ગ્રાહકોનો પણ ઈ-વ્હિકલ્સમાં રસ ઘટશે. જો કે ટુ-વ્હીલર્સના ઘણા સંગઠનું માનવું છે કે, કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે જ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વાર્ષિક 9થી 10 લાખ સુધી પહોંચ્યું છે.
સબસિડીની યોજનામાં ફેરફાર, 1 જૂનથી અમલ
ઉલ્લેખનિય છે કે, સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલી FAME II યોજનામાં ફેરફાર કરી દીધા છે. આ ફેરફારો 1 જૂનથી અમલમાં આવશે. નવા ફેરફારો હેઠળ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા પર મળતી 40 ટકા સબસિડી ઘટાડી 15 ટકા કરાઈ છે. આ નિર્ણય હેઠળ દરેક kWh બેટરી પર ઉપલબ્ધ 15 હજારની સબસિડી ઘટાડીને 10 હજાર કરી દેવાઈ છે.