કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, રાજકીય પાર્ટીઓને કોણ ફંડ આપે છે તે નાગરિકોને જાણવાનો અધિકાર નથી
ઈલેક્ટોરલ બોન્ડને પડકારતી અરજીઓ પર 31 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરાશે
ચૂંટણી બોન્ડથી કોઈપણ વર્તમાન અધિકારનું ઉલ્લંઘન થતું નથી : એટર્ની જનરલ વેંકટરમણી
નવી દિલ્હી, તા.30 ઓક્ટોબર-2023, સોમવાર
ચૂંટણી બોન્ડ (Electoral Bond Funds)નો સોર્સ જાણવાની અરજી મામલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ 31 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી હાથ ધરવાની છે. જોકે તે પહેલા એટર્ની જનરલ આર.વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટેને કહ્યું કે, બંધારણે પબ્લિકને આ બોન્ડનો સોર્સ જાણવાનો મૌલીક અધિકાર આપ્યો નથી. ચૂંટણી બોન્ડ યોજના કોઈપણ વ્યક્તિના વર્તમાન અધિકારનું ઉલ્લંઘન કરતી નથી. આ યોજનાને ભાગ-III હેઠળ કોઈપણ અધિકાર વિરુદ્ધનો ન કહી શકાય.
ચૂંટણી બોન્ડનો સોર્સ જાણવાની અરજી મામલે 31મી સુનાવણી
એટર્ની જનરલ આર.વેંકટરમણીએ કહ્યું કે, ચૂંટણી બોન્ડ પોલિસી ફંડ આપનારાઓની પ્રાઈવસીનો લાભ આપે છે, જે વર્તમાન અધિકારોનું ઉલ્લંઘન નથી. દરમિયાન સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણી બેંચ ‘ચૂંટણી બોન્ડ યોજના’નો સોર્સ જાણવાની અરજી પર 31 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરશે. આ અરજીઓમાં રાજકીય પક્ષોને મળતા દાન માટેની ‘ચૂંટણી બોન્ડની યોજના’ની કાયદેસરતાને પડકારવામાં આવી છે.
ચૂંટણી બોન્ડની યોજના શું છે ?
ઉલ્લેખનિય છે કે, રાજકીય પક્ષોને મળતા ચૂંટણી ભંડોળમાં પારદર્શકતા લાવવાના ભાગરૂપે 2 જાન્યુઆરી 2018ના રોજ ‘ચૂંટણી બોન્ડની યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ અગાઉ રાજકીય પક્ષોને ચૂંટણીમાં રોકડ રકમ મળતી હતી, જેને ‘ચૂંટણી બોન્ડની યોજના’ હેઠળ વિકલ્પના રૂપે લાવવામાં આવી છે. ચૂંટણી બોન્ડ એ ભારતમાં રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવાનો એક પ્રકાર છે. કેન્દ્રીય બજેટ 2017-18 દરમિયાન ફાઇનાન્સ બિલ-2017માં ચૂંટણી બોન્ડની યોજના રજૂ કરાઈ હતી.