Get The App

MCD ચૂંટણી : મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું, 18 એપ્રિલ સુધી થશે નોમિનેશન, 26મીએ ચૂંટણી

આમ આદમી પાર્ટી અને ભાજપ બંને મેયર અને ડેપ્યુટી મેયર માટેના ઉમેદવારોને રિપીટ કરે તેવી અટકળો

ચૂંટણી જાહેરાત થતાં જ કોર્પોરેશનના મુખ્ય મથક એવા સિવિલ સેન્ટરમાં પણ ગરમા-ગરમી શરૂ

Updated: Apr 12th, 2023

GS TEAM


Google News
Google News
MCD ચૂંટણી : મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું, 18 એપ્રિલ સુધી થશે નોમિનેશન, 26મીએ ચૂંટણી 1 - image

નવી દિલ્હી, તા.12 એપ્રિલ-2023, બુધવાર

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન પ્રક્રિયા 18 એપ્રિલ સુધી ચાલુ રહેશે, જ્યારે 26મીએ મતદાન યોજાશે. આમ આદમી પાર્ટી અને ભાજપ બંને મેયર અને ડેપ્યુટી મેયર માટેના ઉમેદવારોને રિપીટ કરે તેવી અટકળો ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ MCDમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ મુજબ બુધવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ નોમિનેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. 18 એપ્રિલે નોમિનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. બંને પક્ષો દ્વારા છેલ્લી ગડીએ ઉમેદવારીપત્રો ભરાય તેવી શક્યતા છે. 26 એપ્રિલે ગૃહની પ્રથમ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે.

ચૂંટણી જાહેરાત થતાં જ કોર્પોરેશનના મુખ્ય મથક એવા સિવિલ સેન્ટરમાં પણ ગરમા-ગરમી શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોનું માનીએ તો શૈલી ઓબરોયનું ફરી મેયર ઉમેદવાર બનવાનું નક્કી છે. તો બીજી તરફ મેયર ચૂંટણીના પરિણામોની સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ જોવા મળી રહી છે, પરંતુ આગામી વર્ષે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ પોતાનો મેયર બનાવવાના સંપૂર્ણ પ્રયાસો કરશે, તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

AAPની તરફેણમાં બહુમતીનો આંકડો

મેયરની ચૂંટણી માટે કુલ 274 મતોમાંથી હાલમાં 150 મત AAPની તરફેણમાં છે, જ્યારે 116 મત ભાજપની તરફેણમાં છે. ગત વર્ષે 7 ડિસેમ્બરે કોર્પોરેશનના 250 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી હતી અને MCDમાં 15 વર્ષથી સત્તા પર રહેલા ભાજપને હરાવી હતી. AAPને 134 બેઠકો, ભાજપ 104 બેઠકો, કોંગ્રેસને 9 બેઠકો, અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો મળી હતી. 22 ફેબ્રુઆરીએ મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં AAP ઉમેદવારો શૈલી ઓબેરોય મેયર અને આલે ઈકબાલ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ બવાના વોર્ડમાંથી AAP કાઉન્સિલર રહેલા પવન સેહરાવત ભાજપમાં જોડાયા હતા.

Tags :