સચિન તેંડુલકરને સોંપાશે મોટી જવાબદારી, ચૂંટણી પંચે બનાવ્યા ‘નેશનલ આઈકોન’, જાણો નવી ઈનિંગ વિશે
કાલે EC તેંડુલકર સાથે સમજુતી કરાર કરી સચિનની ‘નેશનલ આઈકોન’ તરીકે નિમણૂક કરશે
3 વર્ષના કરાર હેઠળ સચિન તેંડુલકર યુવા સહિતના મતદારોને મતદાન કરવા પ્રેરિત કરશે
નવી દિલ્હી, તા.22 ઓગસ્ટ-2023, મંગળવાર
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને વિશ્વભરના લોકો જાણે છે... ક્રિકેટ જગતમાં ભારતનું નામ સર્વોચ્ચ શિખર લઈ જનાર સચિન તેંડુલકરના દેશભરમાં અસંખ્ય ચાહકો છે, ત્યારે હવે ભારતીય ચૂંટણી પંચે પણ સચિન તેંડુલકરને મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરીત થાય તે માટે ચૂંટણી પંચ સચિન તેંડુલકરની ‘નેશનલ આઈકોન’ તરીકે નિમણૂક કરશે. આવતીકાલે નવી દિલ્હીમાં તેંડુલકર અને ચૂંટણી પંચની પેનલ વચ્ચે એક સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવશે. ત્રણ વર્ષના સમજુતી કરાર હેઠળ સચિન તેંડુલકર મતદારોમાં જાગૃતિનો સંદેશ ફેલાવશે.
સચિનનો યુવાઓમાં બહોળો પ્રભાવ
આવતા વર્ષે લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓને ધ્યાને રાખી રાષ્ટ્રીય ચૂંટણી પંચ જોરશોરથી કામે લાગી ગયું છે. વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, આગામી ચૂંટણી, વિશેષ રૂપે લોકસભા-2024ની ચૂંટણીમાં મતદાતાઓની ભાગીદારી વધારવા તેમજ યુવાઓમાં તેંડુલકરના બહોળા પ્રભાવનો લાભ ઉઠાવવા આ નિર્ણય એક મહત્વપૂર્ણ પગલું છે.
અગાઉ પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન બનાવાયા હતા
ગયા વર્ષે પંકજ ત્રિપાઠીને આ જવાબદારી સોપવામાં આવી હતી, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં એમ.એસ.ધોની, અમિત ખાન અને મેરી કોમ જેવા દિગ્ગજોને ચૂંટણી પંચના નેશનલ આઈકોન બનાવાયા હતા, ત્યારે આ વર્ષે ક્રિકેટના ભગવાન ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકરને નેશનલ આઈકોન તરીકે નોમિનેટ કરાયા છે. સચિન આવતીકાલે ઈસીઆઈ સાથે નેશનલ આઈકોન તરીકે નવી ઈનિંગની શરૂઆત કરશે. આ માટે નવી દિલ્હીના રંગ ભવન, આકાશવાણીમાં કાર્યક્રમ યોજવામાં આવશે.