ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ

ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસવાય કુરેશીનો દાવો
ચૂંટણી પંચે એસઆઈઆર શરૂ કરાવીને મધપૂડામાં હાથ નાંખ્યો છે અને તેનાથી સંસ્થાને જ નુકસાન થશે
ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ જણાવ્યું કે, ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આક્ષેપ કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બોલેલા 'એટમ બોમ્બ' અને 'હાઈડ્રોજન બોમ્બ' જેવા મોટાભાગના શબ્દો રાજકીય નિવેદનો હતા. પરંતુ તેમણે વોટ ચોરીની જે ફરિયાદો કરી તેની વિગતે તપાસ થવી જોઈએ. કુરેશીએ બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સુધારણા કાર્યક્રમની રીતો અંગે પણ ચૂંટણી પંચની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ માત્ર 'ભાનુમતિનો પટારો ખોલવા' સમાન નથી પરંતુ ચૂંટણી પંચે 'મધમાખીના મધપૂડા'માં હાથ નાંખી દીધો છે, જેનાથી તેને જ નુકસાન થશે.
એસવાય કુરેશીએ જગરનોટ પુસ્તક દ્વારા પ્રકાશિત તેમના નવા પુસ્તક 'ડેમોક્રસીઝ હાર્ટલેન્ડ'ના વિમોચન સમયે કહ્યું હતું કે, ચૂંટણી પંચે વિપક્ષનો વિશ્વાસ જીતવાની જરૂર છે. હું ૨૦૧૦થી ૨૦૧૨ વચ્ચે ચૂંટણી કમિશનર હતો. મારા કાર્યકાળમાં મેં હંમેશા વિપક્ષને પ્રાથમિક્તા આપી છે, કારણ કે તેઓ શાસક પક્ષની સરખામણીમાં નબળા હોય છે. વિપક્ષે વારંવાર સુપ્રીમ કોર્ટ જવું પડે છે અને હકીકતમાં ૨૩ પક્ષોએ કહેવું પડે છે કે તેમને મુલાકાતનો સમય નથી મળી રહ્યો અને કોઈ તેમની વાત સાંભળી રહ્યું નથી. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપો મુદ્દે તેમના માટે વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાના બદલે તેમના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ.








