ચૂંટણી પંચે 3 મોટા પક્ષોનો રાષ્ટ્રીય દરજ્જો છીનવ્યો, શરદ પવાર-મમતા બેનરજીને ઝટકો, કેજરીવાલ ફાવી ગયા
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો
નવી દિલ્હી, તા.10 એપ્રિલ-2023, સોમવાર
આજે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય રહ્યે છે. ECએ 3 રાષ્ટ્રીય પક્ષો અને 2 પ્રાદેશિક પક્ષો પાસેથી દરજ્જો પરત ખેંચી લીધો છે. ઉપરાંત એક પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)નો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પરત ખેંચી લીધો છે. તો આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. ઉપરાંત ચૂંટણી પંચે પ્રાદેશિક પક્ષોમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને રાષ્ટ્રીય લોકદળ (RLD) પાસેથી પ્રાદેશિક પક્ષનો દરજ્જો પરત ખેંચી લીધો છે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચ પોતે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્યની રાજકીય પાર્ટીઓની સ્થિતિની સમીક્ષા કરે છે અને પ્રતિક આદેશ-1968 હેઠળ ચાલતી સતત પ્રક્રિયા છે.
શું છે નિયમ ?
ચૂંટણી પંચે 2016માં રાષ્ટ્રીય પક્ષની સ્થિતિની સમીક્ષા માટેના નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે આ સમીક્ષા 5 વર્ષના બદલે 10 વર્ષમાં કરવાની જોગવાઈ કરાઈ છે. જો કે કોઈપણ રાષ્ટ્રીય પક્ષ માટે તેના ઉમેદવારોને દેશમાં ઓછામાં ઓછા 4થી વધુ રાજ્યોમાં 6 ટકાથી વધુ મતો મળતા જરૂરી છે તેમજ પક્ષોનાં લોકસભામાં ઓછામાં ઓછા 4 સાંસદો પણ પ્રતિનિધિત્વ કરતા હોવા જોઈએ. ચૂંટણી પંચે 2019માં જ TMC, CPI અને NCPની રાષ્ટ્રીય પાર્ટીની સમીક્ષા કરવાની હતી, પરંતુ આગામી રાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે સમીક્ષા કરી ન હતી. નિયમ મુજબ ચૂંટણી પ્રતીક ઓર્ડર-1968 હેઠળ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવવાથી પક્ષ દેશના તમામ રાજ્યોમાં એક ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડી શકશે નહીં.
હાલ કેટલા રાષ્ટ્રીય પક્ષો છે ?
- ભારતીય જનતા પાર્ટી (BJP)
- કોંગ્રેસ
- બહુજન સમાજ પાર્ટી (BSC)
- કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
- નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)
- આમ આદમી પાર્ટી (AAP). હવે ભારતની સૌથી નવી પાર્ટી છે. આ પાર્ટીને વર્ષ 2023માં એટલે કે આજે જ રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળી છે.
આ પક્ષોને મળ્યો રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો
- નાગાલેન્ડમાં લોક જનશક્તિ પાર્ટી
- ત્રિપુરામાં ટીપરા મોથા
- પશ્ચિમ બંગાળમાં રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટી
- મેઘાલયમાં વોઈસ ઓફ ધ પીપુલ પાર્ટી
આ પાર્ટીઓને પણ લાગ્યો આંચકો
આંધ્ર પ્રદેશમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ પ્રાદેશિક પક્ષનો દરજ્જો ગુમાવ્યો છે. તો તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ગત વર્ષે જ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)નું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ કરી દીધું હતું. ઉપરાંત ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળ (RLD)નો પણ રાજ્ય પક્ષનો દરજ્જો છિનવાયો છે.