ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન
Vice President Polls: ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 21મી ઓગસ્ટ સુધી ઉમેદવારી ફૉર્મ સ્વીકારવામાં આવશે અને જો જરૂર પડી તો 9 સપ્ટેમ્બરે મતદાન થશે. મતદાનનો સમય સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. 9મી સપ્ટેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશના બીજુ સર્વોચ્ચ બંધારણીય પદ ખાલી થયુ હતું.
ચૂંટણી પંચ દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર, સાત ઓગસ્ટ, 2025ના રોજ ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરશે. જેમાં 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવાની રહેશે. ત્યારબાદ 22 ઓગસ્ટે ઉમેદવારીમાં ફેરફાર થઈ શકશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 25 ઓગસ્ટ નિર્ધારિત કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. અને પરિણામ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત જાહેર કરવામાં આવશે.
ધનખડના રાજીનામાંએ ચોંકાવ્યા
જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ જણાવી ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, તેમનો આ નિર્ણય ચોંકાવનારો હતો. કારણ કે, તેઓ પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિપક્ષી પાર્ટીઓ સાથે વિવાદના કારણે ચર્ચામાં રહ્યા હતા. ચાલુ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપનારા ધનખડ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ છે. આ પહેલાં ફક્ત વી. પી ગીરી અને આર. વેંકટરમણે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધુ હતું.