app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

કર્ણાટકમાં આચાર સંહિતા ભંગ બદલ ભાજપ-કોંગ્રેસને ચૂંટણી પંચની નોટિસ

Updated: May 9th, 2023


- કર્ણાટકમાં આવતી કાલે મતદાન, પ્રચારપડઘમ શાંત પડયા

- કોંગ્રેસ વિશ્વની સૌથી ભ્રષ્ટ પાર્ટી હોવાનો દાવો કરતી જાહેરાત અંગે ચૂંટણી પંચે ભાજપ પાસે સ્પષ્ટતા માગી

- કર્ણાટકની સાર્વભૌમત્વ, અખંડિતતા પર ખતરાને કોંગ્રેસ નહીં ચલાવે તેવા સોનિયાના નિવેદન મુદ્દે ખડગેને નોટિસ

બેંગલુરુ : કર્ણાટકમાં ૧૦મી તારીખે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. એવામાં સોમવારે પ્રચારપડઘમ શાંત પડયા હતા. તે પહેલા કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉગ્ર પ્રચાર કરવામાં આવ્યો અને તેમાં કેટલાક નેતાઓ ભાન ભુલીને બેફામ નિવેદનો કરવા અને આરોપો લગાવવા લાગ્યા હતા. જેની ચૂંટણી પંચે પણ નોંધ લીધી છે અને ભાજપ તેમજ કોંગ્રેસ બન્ને સામે કાર્યવાહી કરી છે. આચાર સંહિતાના ભંગ બદલ ભાજપ અને કોંગ્રેસ બન્નેને ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે. 

ચૂંટણી પંચે આઠમી મેના રોજ ભાજપ દ્વારા એક સમાચારપત્રમાં આપવામાં આવેલી જાહેરાતને લઇને નોટિસ પાઠવી છે, જેમાં આડકરી રીતે ભાજપે કોંગ્રેસ પર કથિત આધાર વગરના આરોપો લગાવ્યા હતા. ભાજપે કોંગ્રેસને આ જાહેરાતમાં સમગ્ર વિશ્વની સૌથી ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. જેને પગલે હવે ચૂંટણી પંચે તેની નોંધ લીધી છે અને કર્ણાટક ભાજપ પ્રમુખ નલિન કુમાર કટિલને નોટિસ પાઠવી છે અને આ જાહેરાતમાં જે દાવા કરવામાં કોંગ્રેસને લઇને જે દાવા કરવામાં આવ્યા છે તેને સાબિત કરવા માટે કહ્યું છે. કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. 

આ નોટિસમાં ચૂંટણી પંચે કહ્યું છે કે સામાન્ય આરોપો એ ચૂંટણીનો હિસ્સો હોઇ શકે છે પણ વિરોધી પક્ષ અંગે કેટલાક ચોક્કસ આરોપો અને દાવાઓનો આધાર પુરાવો હોવો જરૂરી છે નહીં તો મતદાતાને તે ગેરમાર્ગે દોરી શકે છે. આમ થવાથી મતદારોને યોગ્ય ઉમેદવાર કે પક્ષને પસંદ કરવાનો જે અધિકાર મળ્યો છે તેના પર અસર થઇ શકે છે.  દરમિયાન ચૂંટણી પંચે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ નોટિસ પાઠવી છે અને સોનિયા ગાંધીની એક રેલીના એક ભાષણના હિસ્સાને લઇને સ્પષ્ટતા માગી છે. કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દાવો કરવામાં આવ્યો હતો કે સીપીપી ચેરપર્સન સોનિયા ગાંધીએ કર્ણાટકના ૬.૫ કરોડ નાગરિકોને એક મજબૂત સંદેશો આપ્યો છે કે કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ, અખંડિતતા પર ખતરાને કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરી લે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે આ નિવેદનને પ્રચારનું માધ્યમ બનાવ્યો હતો જ્યારે ભાજપે ચૂંટણી પંચને આ મુદ્દે ફરિયાદ પણ કરી હતી. આ મુદ્દે હવે ચૂંટણી પંચે ખડગે પાસેથી સ્પષ્ટતા માગી છે.

Gujarat