Get The App

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ 1 - image


- આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ નથી, ચૂંટણી પંચ સાચું : સુપ્રીમ

- ગેરરીતિ સાબિત થાય તો મતદારોનું વેરિફિકેશન રદ કરીશું, વિશ્વાસમાં ખામીનો મામલો જણાય છે : સુપ્રીમ

નવી દિલ્હી : ચૂંટણી પંચ દ્વારા બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરાયું અને નવી યાદી જાહેર કરાઇ, જેને લઇને સંસદની અંદર અને બહાર તો વિવાદ ચાલી જ રહ્યો છે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો આ મતદાર વેરિફિકેશન પ્રક્રિયામાં કોઇ ગડબડ કે ગેરરિતી સાબિત થાય તો વેરિફિકેશનના જે પરિણામ જાહેર કરાયા છે તેને રદ કરી શકાય. પરંતુ આ સાથે જ સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે દેશના નાગરિકો, બિન-નાગરિકોને મતદાર યાદીમાં સામેલ કરવા કે બહાર રાખવા તે ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

અગાઉ ચૂંટણી પંચે આધાર, ચૂંટણી અને રાશન કાર્ડને નાગરિકતાનું પ્રમાણ માનવાની સુપ્રીમમાં ના પાડી દીધી હતી, આ મુદ્દે મંગળવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી પંચ સાચુ કહી રહ્યું છે કે આધાર કાર્ડને નાગરિકતાના નિર્ણાયક પ્રમાણ તરીકે ના સ્વીકારી શકાય. આધાર માત્ર કોઇની ઓળખનો આધાર હોઇ શકે. જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે પક્ષકાર યોગેન્દ્ર યાદવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સામે બે એવા મતદારોને હાજર કર્યા હતા કે જેઓને ચૂંટણી પંચની નવી યાદીમાં મૃત જાહેર કરી દેવાયા છે. જેના પર જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું હતું કે આ નાટક ટીવી સ્ટૂડિયોમાં ચાલી શકે, જો ખરેખર જીવિત વ્યક્તિને મૃત દેખાડવામાં આવી હોય તો ફોર્મ ભરીને સુધારા કરાવી શકાય. બાદમાં ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી સુપ્રીમની બેંચે કહ્યું હતું કે અમને એ વાતનું ગૌરવ છે કે આ દેશના નાગરિક પોતાની વાત રજુ કરવા માટે આ કોર્ટમાં આવી રહ્યા છે. 

બિહારની આ મતદાર વેરિફિકેશન પ્રક્રિયા એટલે કે એસઆઇઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે, જેમાંથી એક અરજદાર તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે બિહારમાં મતદારોના વેરિફિકેશન દરમિયાન ૭.૨૪ કરોડ લોકોએ ફોર્મ જમા કરાવ્યા, જ્યારે ૬૫ લાખ લોકોના નામ કોઇ પણ પ્રકારની તપાસ કર્યા વગર જ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આ માટે કોઇ સરવે પણ નથી કરાવ્યો. જાણકારી મુજબ ૧૨ લોકો એવા છે કે જે જીવીત હોવા છતા તેમને મૃત જાહેર કરી દેવાયા છે. જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે આ માત્ર ડ્રાફ્ટ છે તેમાં સુધારા કરવાની તમામ લોકોને તક અપાઇ રહી છે. સુપ્રીમે કહ્યું હતું કે કેટલા લોકોની મૃતક તરીકે ઓળખ કરાઇ છે. તમારા અધિકારીઓએ કેટલુક કામ કર્યું હશે. સુપ્રીમે સાથે એમ પણ કહ્યું કે ચૂંટણી પંચ સાચુ કહી રહ્યું છે કે આ માત્ર ડ્રાફ્ટ છે જેમાં સુધારા થઇ શકે છે. વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યું હતું કે ૬૫ લાખ મતદારોને બહાર કરી દેવાયા, જેના પર સુપ્રીમે કહ્યું હતું કે અમે આ અંગે તપાસ કરીશું, ખરેખર વેરિફિકેશન પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરાઇ છે કે કેમ તેની કાયદેસર માન્યતા પર પણ વિચાર કરીશું. 

આ દરમિયાન મતદારોના વેરિફિકેશનમાં દસ્તાવેજોની ખરાઇ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મહત્વનો સવાલ પૂછ્યો હતો અને કહ્યું હતું કે માની લો કે એક વ્યક્તિ ૧.૧.૨૦૦૩માં મતદાર છે અને જીવિત છે, હવે તેના પુત્ર ૧૮ વર્ષના છે, શું તેમના માતા પિતાએ દસ્તાવેજો દેખાડવા પડશે? જવાબમાં ચૂંટણી પંચના વકીલે કહ્યું હતું કે ના દસ્તાવેજો દેખાડવાની જરૂર નહીં રહે, તેમણે માત્ર એટલુ જણાવવાનું રહેશે કે તેમના પિતા ૨૦૦૩થી મતદાર યાદીમાં છે. બાદમાં સુપ્રીમના ન્યાયાધીશ સુર્યકાંતે કહ્યું હતું કે આ ખરેખર વિશ્વાસની ખામીનો મામલો છે. અંતે સુપ્રીમે કહ્યું હતું કે જો મતદાર વેરિફિકેશનની આ સમગ્ર પ્રક્રિયામાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અરજદારો કોઇ પણ પ્રકારની ગેરરીતિ સાબિત કરવામાં સફળ રહ્યા તો પુરી પ્રક્રિયા જ રદ થઇ શકે છે.

Tags :