પાંચ રાજ્યોના આઠ જિલ્લા મેજિસ્ટ્રેટ, 12 SPને ચૂંટણી ડ્યૂટી ન આપવા ચૂંટણી પંચનો આદેશ
Lok Sabha Elections 2024 : ચૂંટણી પંચે આઠ રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને 12 પોલીસ અધિક્ષકો (SP)ની કામગીરીને લઈને મોટો નિર્ણય લીધો છે. પંચે કહ્યું છે કે, લોકસભા ચૂંટણી-2004 પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને ચૂંટણી ડ્યૂટી સોંપવામાં આવશે નહીં. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, નવા ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે આપ્યા બદલીના આદેશ
ચૂંટણી પંચે (Election Commission) પાંચ રાજ્યો આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), પોલીસ અધિક્ષક (SP), ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG), ઈન્સ્પેક્ટર જનરલ (IG) રેંકના અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે અને બદલી કરાયેલા તમામ અધિકારીઓનો ચાર્જ તેમના તાત્કાલિક જુનિયર અધિકારીઓને સોંપવા કહ્યું છે.
બદલી કરાયેલા અધિકારીઓને ચૂંટણી ડ્યૂટી નહીં
પંચે કહ્યું છે કે, આ અધિકારીઓને સામાન્ય ચૂંટણી 2024 પૂર્ણ થાય ત્યાં સુધી ચૂંટણી ડ્યૂટીની જવાબદારી ન સોંપવા પણ આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે સંબંધિત રાજ્ય સરકારોને IAS અને IPS અધિકારીઓના નામની પેનલ કમિશનને મોકલવા સૂચના આપી છે.
બદલી કરાયેલા DM, SP સહિતના નામ
ચૂંટણી પંચે આસામના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ઉદલગીરી કે.ની બદલી કરી છે. જ્યારે બિહારના ભોજપુર અને નવાદા જિલ્લાના ડીએમ અને એસપીની, ઝારખંડના દેવધરના એસપી, રાંચીના એસપી, પલામૂના ડીઆઈજી, ઓડિશાના કટક અને જગતસિંગપુરના ડીએમ, અંગુલ, બેહરામપુર, ખુર્દા, રાઉરકેલાના એસપી, કટકના ડીસીપી અને સેન્ટ્ર આઈજી, આંધ્ર પ્રદેશના કૃષ્ણા, અનંતપુરમ, તિરુપતિ જિલ્લાના ડીએમ, પ્રકાશમ, પલનાડુ, ચિત્તૂર, અનંતપુરમ અને નેલ્લોર જિલ્લાના એસપી તેમજ ગુંટૂર રેંજના આઈજીપીની બદલી કરી છે.
ચૂંટણી પંચે શનિવારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.