પોલીસ, કોર્ટ, જજ, એરેસ્ટ મેમો બધું જ નકલી !
તેલંગણા પોલીસે ત્રણ વર્ષમાં 547 કરોડથી વધુનું ફ્રોડ કરનારી ગેંગના 18 આરોપીઓની ધરપકડ કરી
તેલંગાણા પોલીસના અધિકારી સુનીલ દત્તે કહ્યું હતું કે આરોપીઓએ રોજગાર, વ્યાપાર કે અન્ય આર્થિક લાલચ આપીને અનેક વ્યક્તિઓને પોતાના નામે બેંક ખાતા ખોલવા અને સંચાલિત કરવા માટે પ્રેરિત કર્યા હતા. બાદમાં આ ખાતા પર આ ગેંગે કબજો કરી લીધો હતો, જેમાં બાદમાં મોટા પ્રમાણમાં સાઇબર ક્રાઇમના નાણા જમા થવા લાગ્યા હતા. ઉપરાંત મની લોન્ડરિંગ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખાતામાં અત્યાર સુધીમાં ૫૪૭ કરોડ રૂપિયાની લેનદેનની જાણકારી સામે આવી છે. આ નાણા લોકોને છેતરીને મેળવવામાં આવ્યા હતા.
જ્યારે સાઉથ દિલ્હીમાં પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના નિવૃત્ત ડોક્ટર ઓમ તનેજા અને ડોક્ટર ઇંદિરા તનેજાને સાઇબર ઠગોએ ૧૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા, આ દરમિયાન આ શિક્ષિત દંપતિ પાસેથી ૧૪.૮૫ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તનેજા દંપતિને વિશ્વાસમાં લેવા માટે નકલી દિલ્હી પોલીસ અધિકારીઓ, નકલી કોર્ટ, નકલી વોરંટ એટલુ જ નહીં એરેસ્ટ મેમો પણ મોકલવામાં આવ્યો જેને કારણે આ દંપતિ ડરી ગયું અને છેતરપિંડી કરનારી ગેંગને ૧૫ કરોડ રૂપિયા આપી દીધા. સંયુક્ત રાષ્ટ્રની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ૨૦૧૬માં બન્ને પતિ પત્ની ભારત પરત ફર્યા હતા. અને દિલ્હીમાં શાંતિથી જિંદગી જીવી રહ્યા હતા.


