Get The App

બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
Eknath Shinde
(IMAGE - IANS)

Eknath Shinde: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં નારાજગીના સમાચાર સામાન્ય છે. આ વચ્ચે આજે 12 ઑગસ્ટના રોજ કેબિનેટની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ઉપ-મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે હાજર રહ્યા નહોતા. તેઓ રવિવારથી જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં હતા. 

એટલું જ નહીં, તાજેતરમાં જ એકનાથી શિંદે વિધાનસભા સત્રની વચ્ચે દિલ્હી આવ્યા હતા. અહીં તેમણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ આજની બેઠકમાં તેમની ગેરહાજરીના કારણે મહારાષ્ટ્રની NDA સરકારમાં બધું બરાબર છે કે નહીં, તે સવાલ ફરી ઊભો થવા લાગ્યો છે. અટકળોને વધુ વેગ એટલા માટે મળી રહ્યો છે કારણ કે તેમના નજીકના મંત્રી ભરત ગોગાવાલેએ પણ આ બેઠકમાં હાજરી આપી નહોતી.

નારાજગીના કારણો 

એવું માનવામાં આવે છે કે એકનાથ શિંદે પોતાને અને તેમના મંત્રીઓને અવગણવામાં આવતાં હોવાથી નારાજ છે. ભલે તેમની પાસે હાલ વિકલ્પોની કમી હોય અને આ સમયે સાથ છોડવો યોગ્ય ન હોય, પરંતુ અંદરખાને નારાજગી યથાવત્ છે. તેમની એક ચિંતા એ પણ છે કે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં શિવસેના કરતાં અજિત પવાર અને તેમના લોકોને વધુ મહત્ત્વ મળી રહ્યું છે.

તેમજ ગોગાવાલેની નારાજગી અંગે એવું અહેવાલ છે કે તેમને રાયગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ન બનવવાના કારણે તેઓ નારાજ છે. NCPના અદિતિ તટકરેના નામ પર શિવસેના ભડકી ગઈ હતી, જેના કારણે અદિતિ તટકરેનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું, અત્યાર સુધી આ જિલ્લામાં પ્રભારી મંત્રીની જાહેરાત થઈ નથી.

આ પણ વાંચો: ‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને...’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ

જોકે અદિતિ તટકરેને જ રાયગઢ જિલ્લા મુખ્યાલયમાં 15 ઑગસ્ટ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે જવાનો મોકો મળશે અને ત્યાં ધ્વજ ફરકાવશે. આનાથી શિવસેનામાં નારાજગી હોવાનું કહેવાય છે. શિવસેનાનો આ જિલ્લામાં દાવો રહ્યો છે કે અમારી સ્થિતિ અહીં મજબૂત છે. આવા સંજોગોમાં અમારા નેતા ગોગાવાલેને જ જિલ્લાના પ્રભારી મંત્રી જાહેર કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે હાલમાં એકનાથ શિંદેના મીટિંગથી દૂર રહેવા અને ગોગાવાલેના પણ ન જવા પાછળનું આ જ સૌથી મોટું કારણ છે.

બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું 2 - image

Tags :