જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ

એક-બે નહીં પરંતુ 7 વાર 180 ઉપવાસ અને 100 માસક્ષમણના દિવ્ય તપસ્વી તરીકે ખ્યાત જૈનાચાર્ય હંસરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના લલાટે વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. હવે તેઓ 8મી વખત 180 ઉપવાસ પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે તેઓ કુલ 8 વાર નિરાહાર મોક્ષ યાત્રા એટલે કે 180 દિવસના ઉપવાસ પૂર્ણ કરનારા મહાતપસ્વી બની જશે. આ વખતનો પાવન પારણા ઉત્સવ 9 નવેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કરાયો છે. આશ્ચર્યની વાત છે કે, 180 દિવસના ઉપવાસમાં પણ તેમણે 650 કિલોમીટરથી વધુ પગપાળા વિહાર કર્યો છે. એક માસક્ષમણમાં 30 ઉપવાસ કરવાના હોય છે. આ ઉપવાસમાં સૂર્યોદય પછી 48મી મિનિટે અને સૂર્યાસ્ત પહેલાં ફક્ત ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરી શકાય છે. આમ, સળંગ છ માસક્ષમણમાં 180 દિવસના ઉપવાસ પૂર્ણ થતા હોય છે. જૈન શાસનમાં એકસાથે મહત્તમ 180 ઉપવાસ કરી શકાય છે.
શું છે આ મહા તપસ્વી સંતનું મિશન?
આ મહાતપસ્વી સંતનું લક્ષ્ય આત્મકલ્યાણથી લોકકલ્યાણનું છે. એક પરિવાર જ સમાજનો પાયો છે અને સંસ્કૃતિ કોઈ પણ દેશની શક્તિ. તે બંને નબળા પડે ત્યારે ભવિષ્ય ડગુમગુ થવા લાગે છે. તેને સશક્ત કરવા માટે જ પૂજ્ય દિવ્ય તપસ્વી હંસરત્ન સૂરીશ્વરજી મહારાજ ‘સંસ્કૃતિ બચાવો, પરિવાર બચાવો અને રાષ્ટ્ર નિર્માણ કરો’નો સંદેશ આપે છે. ભારતની અસલી તાકાત તેની પરંપરાઓ અને સંસ્કારોમાં છે. પછી તે સવારે માતા-પિતાના ચરણ સ્પર્શ કરવાના હોય કે પરિવાર સાથે ભોજન કરવાનું હોય. આ જ પરંપરાઓને જીવંત રાખવા માટે આ અભિયાન ચાલી રહ્યું છે. ફિલ્મી સિતારા અને રાજકારણીઓ સહિત દેશ-વિદેશની અનેક ક્ષેત્રોની હસ્તીઓ તેમના દર્શનાર્થે પધારતી રહે છે.
અદ્વિતીય તપશ્ચર્યાની નિરંતર યાત્રા
15 એપ્રિલ 1966ના રોજ જન્મેલા આ મહા તપસ્વીનું સાંસારિક નામ હરિલાલ હતું. જો કે, 13 વર્ષની વયે જ તેમને આત્મજ્ઞાન લાધ્યું અને દીક્ષા લઈ લીધી. જૈનાચાર્ય ગુરુદેવ ભુવનમાનુસૂરીજી મહારાજના શિષ્ય તરીકે હંસરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબની તપસ્વી યાત્રા છેલ્લા 23 વર્ષથી ચાલી રહી છે. દીક્ષા પછી તેમને મુનિ હંસરત્ન વિજયજી મહારાજ નામ અપાયું હતું.
હંસરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ 23 વર્ષમાં કુલ 7700 દિવસમાં 5500થી પણ વધુ ઉપવાસ કરી ચૂક્યા છે, જેમાં એક-એક વાર 90, 91, 95, 98, 108, 122 અને 123 દિવસના ઉપવાસ પણ સામેલ છે. આ ઉપરાંત તેમાં 480 દિવસમાં કુલ 407 ઉપવાસનો પણ સમાવેશ થાય છે. તેઓ 100 માસક્ષમણ પણ પૂર્ણ કરી ચૂક્યા છે. અગાઉ માસક્ષમણ તેમણે માર્ચ 2024માં મુંબઈમાં કર્યું હતું.
ક્યારે ક્યારે કર્યા 180 દિવસીય મહાઉપવાસ?
- 2011 - મરીન ડ્રાઈવ, પાટણ ચાલ (મુંબઈ)
- 2013 - કાંદિવલી, શંકર ગલી (મુંબઈ)
- 2015 - અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (મુંબઈ)
- 2017 - વાલકેશ્વર, તીનબત્તી (મુંબઈ)
- 2019 - સાંગલી, મહાવીરનગર (મહારાષ્ટ્ર)
- 2021 - પાર્લા, મહાવીરનગર (મુંબઈ)
- 2024 - વર્લી, NSCI DOME (મુંબઈ)
- 2025 - નવી દિલ્હી, વિજ્ઞાન ભવન (દિલ્હી)

