ઝારખંડમાં બસ-ટ્રકની ટક્કરમાં આઠ કાવડિયાનાં મોત, 24થી વધુ ઘાયલ

- અકસ્માત સમયે ટ્રકમાં અનેક ગેસ સીલિન્ડર ભરેલા હતા
- મારા મત વિસ્તાર દેવઘરમાં થયેલા અકસ્માતમાં 18 શ્રદ્ધાળુએ જીવ ગુમાવ્યો : ભાજપ સાંસદ દુબેનો દાવો
દેવઘર : ઝારખંડના દેવઘર જિલ્લામાં જામુનિયા ગામમાં એક રોડ અકસ્માતમાં આઠ જેટલા કાવડીયાના મોત નિપજ્યા હતા. કાવડિયાને લઇને જઇ રહેલી બસ ગેસ સીલિન્ડર લઇ જતી ટ્રક સાથે ટકરાઇ હતી. જેને કારણે આ જાનહાની થઇ હતી. જોકે ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે મારા મતવિસ્તાર દેવઘરમાં અકસ્માતમાં ૧૮ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે.
ઝારખંડના દેવઘરના જામુનિયા જંગલ વિસ્તારમાં વહેલી સવારે ૪.૩૦ વાગ્યે કાવડીયાની બસ ટ્રક સાથે ટકરાઇ હતી. જેમાં આઠ જેટલા શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ૨૪ જેટલા શ્રદ્ધાળુઓને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આઇજી શૈલેન્દ્રકુમાર સિન્હાએ કહ્યું હતું કે ઘાયલમાં કેટલાકની સ્થિતિ સ્થીર છે. ગેસ સીલિન્ડર ભરેલા ટ્રક સાથે બસ ટકારાતા આ અકસ્માત થયો હતો.
જ્યારે ગોડ્ડાના સાંસદ નિશિકાંત દૂબેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મારા લોકસભા મત વિસ્તારમાં ૧૮ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. કાવડ યાત્રા દરમિયાન એક બસની ટ્રક સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. કેટલાક સ્થાનીકોએ જણાવ્યું હતું કે આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અલગ થલગ થઇ ગઇ હતી. કાટમાળ હટાવવા ક્રેન બોલાવવામાં આવી હતી, હાલમાં પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઇ છે. તેમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.








