Get The App

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ 1 - image


Supreme Court : સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં સોમવારે (પહેલી સપ્ટેમ્બર) નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આદેશ આપ્યો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.

બઢતી મેળવવા ઈચ્છુક શિક્ષકો માટે પણ TET ફરજિયાત

કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, નવા શિક્ષકો માટે TET પાસ કરવી ફરજિયાત છે, આ ઉપરાંત પહેલાથી નોકરી કરી રહેલા શિક્ષકો જો બઢતી મેળવવા ઈચ્છે તો તેમના માટે પણ TET પાસ કરવી ફરજિયાત રહેશે. કોર્ટે કહ્યું કે, જો કોઈ શિક્ષક નવી નોકરી અથવા બઢતી મેળવવા ઈચ્છે તો TET પાસ કર્યા વગર તેમનો કોઈપણ દાવો માન્ય ગણાશે નહીં. જોકે, બેન્ચે પાંચ વર્ષથી ઓછો સમય બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. આવા શિક્ષકોને TET પાસ કરવાની જરૂરિયાત રહેશે નહીં અને તેઓ તેમની નિવૃત્તિ સુધી નોકરી પર રહી શકશે. પરંતુ જો આવા શિક્ષકો બઢતી મેળવવા ઈચ્છે તો તેમને TET પાસ કરવી ફરજિયાત રહેશે.

TET પાસ ન કરે તો નોકરી ગુમાવવી પડશે

કોર્ટે એમ પણ કહ્યું છે કે, જે શિક્ષકો શિક્ષણનો અધિકાર કાયદો (RTE-2009) લાગુ થતાં પહેલાં નિમણૂક થયા છે અને જેમની પાંચ વર્ષથી વધુ સેવા બાકી છે, તેમણે બે વર્ષની અંદર TET પાસ કરવી જ પડશે. જો તેઓ આ ગાળામાં TET પાસ ન કરે તો તેમને નોકરી ગુમાવવી પડશે અને તેમને માત્ર ટર્મિનલ બેનિફિટ્સ જ મળશે.

આ પણ વાંચો : 'ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ', PM મોદી સાથેની બેઠકમાં પુતિનનું મોટું નિવેદન

લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને રાહત

સુપ્રીમ કોર્ટે લઘુમતી દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને હાલ પૂરતી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે, આ આદેશ હમણાં તે સંસ્થાઓ પર લાગુ પડશે નહીં. RTE કાયદો આ શાળાઓને લાગુ થાય છે કે નહીં, તે કાયદાકીય સવાલ હાલ સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે. જ્યાં સુધી આ અંગે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી લઘુમતી સંસ્થાઓના શિક્ષકો માટે TET પાસ કરવી ફરયિજાત નહીં રહે.

TET શા માટે ફરજિયાત?

ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) એક રાષ્ટ્રીય સ્તરની પાત્રતા પરીક્ષા છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો ધોરણ-1થી ધોરણ-8માં શિક્ષક બનવા માંગનાર ઉમેદવારની યોગ્યતા નક્કી થાય છે. આ પરીક્ષા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા 2010માં ફરજિયાત કરાઈ હતી. NCTEએ શિક્ષકોને TET પાસ કરવા માટે પાંચ વર્ષનો સમય આપ્યો હતો, જેને પાછળથી ચાર વર્ષ સુધી લંબાવાયો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં TET ફરજિયાત પાસ કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ આ નિર્ણય લીધો છે, હવે દેશભરના શિક્ષકો પર અસર કરી છે.

આ પણ વાંચો : ‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું', વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ

Tags :