Get The App

'ભણેલા આતંકવાદીઓ' સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
'ભણેલા આતંકવાદીઓ' સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ 1 - image


Supreme Court News : દિલ્હીમાં 2020માં રમખાણો કરાવવાના માસ્ટર માઈન્ડ ઉમર ખાલિદ, સરજીલ ઈમામ સહિતના આરોપીઓને જામીન આપવાની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. તેના વિરોધમાં દિલ્હી પોલીસે દલીલો રજૂ કરી હતી. દિલ્હી પોલીસે સરજીલ ઈમામ અને ઉમર ખાલિદના ભાષણના વીડિયો સુપ્રીમ કોર્ટમાં બતાવ્યા હતા અને દલીલ કરી હતી કે આ સાધારણ ભાષણો નથી, લોકોની ઉશ્કેરણી કરવામાં આવે છે.

દિલ્હીમાં 2020માં થયેલા રમખાણોનો કેસ નીચલી કોર્ટમાં ચાલી રહ્યો છે. રમખાણોના માસ્ટર માઈન્ડ સહિતના આરોપીઓ 2020થી જેલમાં બંધ છે. કેસનો કોઈ નિવેડો આવ્યો ન હોવા છતાં આટલા સમયથી જેલમાં બંધ રાખવાના મુદ્દે આરોપીએ સુપ્રીમમાં જામીન માટે અરજી કરી હતી. દિલ્હી રમખાણોના આરોપીઓમાં શરજીલ ઈમામ, ઉમર ખાલિદ, મીરાન હૈદર, ગુલ્ફિશા ફાતિમા, મોહમ્મદ સલીમ ખાન, શાદાબ અહેમદ અને શિફા ઉર રહેમાનને જામીન આપવા આરોપીના વકીલે દલીલો કરી હતી. તેની સામે દિલ્હી પોલીસે વળતો જવાબ આપ્યો હતો.

દિલ્હી પોલીસ વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરનારા એડિશ્નલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ કોર્ટમાં કહ્યું હતું કે તાજેતરમાં થયેલા દિલ્હી બ્લાસ્ટમાં પણ એ જ બાબત જોવા મળી કે સાધારણ ત્રાસવાદી કરતાં ભણેલા-ગણેલા બૌદ્ધિક આતંકવાદી વધારે ખતરનાક છે. ડોક્ટરોએ ષડયંત્ર કરીને બ્લાસ્ટ કરાવ્યો એમ કહીને એસવી રાજૂએ કહ્યું કે શરજીલ પણ એન્જિનિયરિંગનું ભણેલો છે અને તેણે જાણી જોઈને હિંસા ભડકાવી હતી.

દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને શરજીલ ઈમામના ભાષણના ટૂકડા સંભળાવ્યા હતા. એમાં શરજીલ કહે છે કે આપણે કોર્ટને તેની નાની યાદ કરાવી દઈશું. તે સિવાયના હિંસા ભડકે તેવા નિવેદનો શરજીલે આપ્યા હતા. એસવી રાજૂએ આ વીડિયોના આધારે દલીલ કરી હતી કે આ કોઈ સાધારણ પ્રદર્શન માટેના ભાષણો નથી. હિંસા ભડકાવવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડાયું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તે વખતે ભારત આવે તે પહેલાં સીએએના નામે હિંસા ભડકાવવામાં આવી હતી. એટલે જેલમાં બંધ હોય એ ગ્રાઉન્ડ પર જામીન ન આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટને કેસ ઝડપથી ચલાવવાનું સૂચન કરે તે વધારે યોગ્ય રહેશે.

Tags :