પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ
- છત્તીસગઢના લીકર કૌભાંડના એક આરોપીની જામીન અરજી પર સુનાવણી
- આરોપી 10 મહિનાથી કસ્ટડીમાં, ઇડીની તપાસ ચાલુ, ચાર ચાર્જશીટો છતા કોઇ પુરાવા રજુ ના થતા સુપ્રીમે ઉધડો લીધો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીને ફટકાર લગાવતા કહ્યું હતું કે પુરાવા વગર આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે. અમે ઇડીના ઘણા મામલાઓમાં આવું જોયું છે. છત્તીસગઢના દારુ કૌભાંડના આરોપી અરવિંદ સિંહની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
ન્યાયાધીશ અભય એસ ઓક અને ન્યાયાધીશ ઉજ્જલ ભુઇયાંની બેંચે કહ્યું હતું કે અમે ઇડીની અનેક ફરિયાદો જોઇ છે, પુરાવા વગર જ આરોપો લગાવવા તેની એક પેટર્ન બની ગઇ છે.
છત્તીસગઢના દારુ કૌભાંડના આરોપી અરવિંદ સિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અપીલ કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન ઇડી તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ અરવિંદસિંહ સામેના આરોપોના પુરાવા દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા. અરવિંદસિંહ પર આરોપ હતો કે તેમણે આ કૌભાંડથી ૪૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા, જોકે તેના કોઇ પુરાવા રજુ નહોતા થઇ શક્યા. જેને પગલે સુપ્રીમ કોર્ટે ઇડીની ઝાટકણી કાઢી હતી.
આરોપી અરવિંદ સિંહના વકીલે દલીલ કરી હતી કે અરવિંદે ૧૦ મહિના કસ્ટડીમાં વિતાવ્યા છે, જ્યારે ઇડીએ આ મામલામાં મુખ્ય અને અન્ય ત્રણ વધારાની ચાર્જશીટ દાખલ કરી છે અને હજુ પણ તપાસ ચાલુ છે. આ કેસમાં ૨૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં દસ્તાવેજોના ૨૫ હજારથી વધુ પેજ છે, તેમજ ૧૫૦થી વધુ સાક્ષીઓના નિવેદનો છે. જ્યારે ઇડીએ એવી દલીલ કરી હતી કે દસ્તાવેજોના પેજ કેટલા છે તેના આધારે જામીન મંજૂર ના કરી શકાય. આ ૨૦૦૦ કરોડનું કૌભાંડ છે, આરોપી અરવિંદ સિંહની ધરપકડને હજુ એક વર્ષ પણ નથી થયું.
બાદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જામીન મંજૂર કરવા માટે એક વર્ષની કસ્ટડી હોવી જરૂરી જ છે તેવી કાયદામાં ક્યાંય જોગવાઇ નથી. જોકે તેમ છતા ઇડીએ જામીનનો વિરોધ કરવાનું શરૂ રાખ્યું હતું, બાદમાં ન્યાયાધીશ અભય એસ ઓકે ઇડી પર પુરાવા રજુ કરવા દબાણ વધાર્યું હતું અને કહ્યું હતું કે આ બહુ જ સામાન્ય આરોપો છે, તમારી પાસે પુરાવા શું છે કે તેણે આ કૌભાંડથી ૪૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા? આરોપી પરના આરોપો સાબિત કરવા માટે તમારી પાસે કોઇ જ પુરાવા નથી. અમે ઇડીની એવી અનેક ફરિયાદો જોઇ છે કે જેમાં એક પેટર્ન બની ગઇ છે જેમાં કોઇ જ મુદ્દાસર પુરાવા વગર આરોપો લગાવી દેવાય છે. બાદમાં ઇડી વતી હાજર એડિ. સોલિસિટર જનરલે વધુ સમય માગ્યો હતો. હવે શુક્રવારે વધુ સુનાવણી કરવામાં આવશે.