ED Raids Punjab Minister Sanjeev Arora's House: પંજાબ સરકારના શક્તિશાળી મંત્રી સંજીવ અરોરાના ઘરે આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગ અને જમીન કૌભાંડના આરોપો હેઠળ થઈ રહેલી આ કાર્યવાહીને કારણે પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વહેલી સવારે EDની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી
આજે સવારે લુધિયાણામાં મંત્રી સંજીવ અરોરાના આવાસને EDની ટીમે ચારે બાજુથી સીલ કરી દીધું હતું. ઘરની બહાર કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈને પણ અંદર કે બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. અરોરાના ઘર ઉપરાંત તેમના અન્ય વ્યાપારીક ઠેકાણાઓ પર પણ તપાસ ચાલી રહી છે.
જમીન કૌભાંડ અને વિદેશી લેવડદેવડનો મામલો
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા 'હેમ્પટન હોમ્સ' પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીનમાં થયેલી ગેરરીતિઓ અંગે છે. આરોપ છે કે જે જમીન સરકાર દ્વારા ઉદ્યોગ બનાવવા માટે આપવામાં આવી હતી, ત્યાં કોલોની બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત વિદેશી લેવડદેવડમાં થયેલી કથિત અનિયમિતતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
'આપ'નો ભાજપ પર પ્રહાર: 'આ ડરાવવાની રણનીતિ'
દરોડાના સમાચાર આવતા જ AAP નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, "પંજાબમાં ચૂંટણી નજીક આવતા જ ભાજપે પોતાની જૂની રણનીતિ શરૂ કરી દીધી છે. એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓને ડરાવવાનો આ પ્રયાસ છે."
કોણ છે સંજીવ અરોરા?
સંજીવ અરોરા પંજાબના જાણીતા ઉદ્યોગપતિ છે અને મુખ્યમંત્રી ભગવંત માનના ખૂબ નજીકના માનવામાં આવે છે. તેઓ અગાઉ રાજ્યસભાના સાંસદ હતા, પરંતુ બાદમાં પેટાચૂંટણી જીતીને પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. હાલ તેમની પાસે ઉદ્યોગ, ઉર્જા અને સ્થાનિક સ્વરાજ્ય જેવા મહત્વના મંત્રાલયોનો હવાલો છે.


