Get The App

ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત 1 - image

- દિલ્હીના લિકર કૌભાંડના રૂ. 45 કરોડ આઇ-પેક સુધી પહોંચ્યાનો આરોપ

- ઇડીની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી ટળી, કોર્ટરૂમમાં ટીએમસી સમર્થકો સહિતનાની ભારે ભીડથી જજ નારાજ

- મમતાએ ઇડીના અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાવી, મુખ્યમંત્રી સામે સીબીઆઇ તપાસની ઇડીની માગ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય એજન્સી ઇડી અને મુખ્યમંત્રી મમતા બેનરજી બન્ને સામસામે આવી ગયા છે. મમતાના પક્ષ ટીએમસી માટે કામ કરતી કંપની આઇ-પેકની ઓફિસે ઇડી દરોડા પાડી રહી હતી તે સમયે જ મુખ્યમંત્રી મમતા ત્રાટક્યા હતા અને પાર્ટીના દસ્તાવેજો લઇને બહાર નીકળી ગયા હતા. આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, જોકે શુક્રવારે કોર્ટરૂમમાં ભારે ભીડને કારણે ન્યાયાધીશે સુનાવણી જ ટાળી દીધી હતી. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરર્જીએ કોલકાતામાં ઇડીની કાર્યવાહી, ભાજપ સામે મોટી રેલી કાઢી હતી. 

વિવિધ રાજકીય પક્ષોને ચૂંટણી જીતવામાં મદદ કરવાનું કામ કરતી પોલિટિકલ કન્સલટન્સી કંપની આઇ-પેકે ગોવામાં આમ આદમી પાર્ટીના  ચૂંટણી પ્રચાર વગેરેની કામગીરી સંભાળી હતી, આમ આદમી પાર્ટીના દિલ્હીના લીકર કૌભાંડના નાણા ગોવામાં વપરાયા હતા, જેની રકમ આશરે ૪૫ કરોડ રૂપિયા છે, આ તમામ આરોપો સાથે કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ હાલમાં બંગાળમાં મમતા બેનર્જીના પક્ષ ટીએમસી માટે કામ કરતી આ જ આઇ-પેક કંપનીની ઓફિસે દરોડા પાડયા હતા. જોકે દરોડા દરમિયાન ભારે વિવાદ થયો હતો. 

ઇડી દરોડા પાડી રહી હતી ત્યારે જ મુખ્યમંત્રી મમતા બેનરજી દરોડા સ્થળે પહોંચી ગયા હતા અને વિવિધ ફાઇલો તેમજ પેનડ્રાઇવ વગેરે લઇને જતા રહ્યા હતા. મમતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ઇડીનો ઉપયોગ કરીને અમારા પક્ષ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ની ચૂંટણીની સ્ટ્રેટેજી વગેરે સહિતની તમામ માહિતી ચોરવા માગે છે, આ ચોરી કરવા ભાજપે ઇડીના અધિકારીઓને મોકલ્યા છે. આ આરોપો સાથે મમતા બેનરજીએ ઇડીના અધિકારીઓની સામે બે એફઆઇઆર દાખલ કરાવી છે. જ્યારે બીજી તરફ ઇડીના અધિકારીઓ પણ મમતા સામે હાઇકોર્ટ પહોંચ્યા હતા. 

કલકત્તા હાઇકોર્ટમાં ઇડીએ એવી દલીલ કરી હતી કે મમતા બેનર્જીએ ઇડીને પોતાની કામગીરી કરતા અટકાવી છે, એટલુ જ નહીં મમતા બેનર્જી દરોડા સ્થળેથી મહત્વના પુરાવા લઇને જતા રહ્યા. આ સમગ્ર મામલે સીબીઆઇને તપાસ સોંપવામાં આવે. ઇડીની આ અરજી સુનાવણી થાય તે પહેલા જ કોર્ટરૂમમાં ભારે ભીડ એકઠી થઇ હતી, સાથે જ હંગામો કરવામાં આવ્યો હતો. આ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશ શુભ્રા ઘોષે ચેતવણી આપતા કહ્યું હતું કે જો પાંચ મિનિટમાં ભીડ ઓછી કરવામાં ના આવી તો હું સુનાવણી નહીં કરું, જોકે આ ચેતવણીની કોઇ ખાસ અસર ના જણાતા અંતે ન્યાયાધીશ શુભ્રા ઘોષે સુનાવણી મુલતવી રાખી હતી. એવા અહેવાલો છે કે કોર્ટરૂમમાં મોટી સંખ્યામાં ટીએમસી સમર્થકો પહોંચી ગયા હતા. ભીડ એટલી હતી કે કેટલાક વકીલોએ પણ બહાર ઉભા રહેવુ પડયું હતું. 

બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનરજી, ટીએમસીના સાંસદો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરાયા હતા. દિલ્હીમાં ટીએમસીના સાંસદોએ ગૃહ મંત્રાલયની ઓફિસ બહાર ધરણા કર્યા હતા, જોકે તમામ મહુઆ મોઇત્રા, ડેરેક ઓબ્રિએન સહિતના સાંસદોને સ્થળેથી હટાવવા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઇ હતી, જે ટિંગાટોળી કરીને તેમને ઉઠાવીને વેનમાં લઇ ગઇ હતી. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ કલકત્તામાં ઇડીની કાર્યવાહી અને ભાજપની વિરુદ્ધમાં રેલી કાઢી હતી. હાલમાં ઇડીના આ દરોડા અને તેમાં મમતા બેનરજીની દખલને કારણે ભારે ઠંડીમાં પણ બંગાળના રાજકારણમાં ગરમાહટ આવી ગઇ છે.