દિલ્હીના રૂ. 2000 કરોડના વર્ગખંડ બાંધકામ કૌભાંડમાં ઇડીના દરોડા

- કોન્ટ્રાકટરો અને ખાનગી એકમોના 37 પરિસરોમાં તપાસ
- દિલ્હી એસીબીની એફઆઇઆરને આધારે ઇડીની પીએમએલએ હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કર્યા બાદ કાર્યવાહી
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અગાઉની આપ સરકારમાં આચરવામાં આવેલા ૨૦૦૦ કરોડ રૂપિયાના વર્ગખંડ બાંધકામ કૌભાંડની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હીમાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતાં તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.
દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ આ કેસમાં દાખલ કરેલી એફઆઇઆરને આધારે ફેડરલ તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કર્યા પછી દરોડા પાડયા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીએ કેસ સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરો અને પ્રાઇવેટ એકમોના ૩૭ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
એસીબીએ પોતાની એફઆઇઆરમાં મનિષ સિસોદીયા, સતયેન્દ્ર જૈન, આમ આદમી પાર્ટી (આપ) નેતાઓ અને અરવિંદ કેજરીવાલ નેતૃત્ત્વવાળી દિલ્હી સરકારના પૂર્વ પ્રધાનોના નામનો ઉલ્લેખ કર્યો છે.
૩૦ એપ્રિલે એસીબી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે દિલ્હી સરકારની શાળાઓમાં ૧૨૦૦૦ વર્ગખંડોના નિર્માણમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની નાણાકીય અનિયમિતતા આચરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એસીબીએ જે લોકોને આરોપી બનાવ્યા છે ઇડીએ પણ તેમને જ આરોપી બનાવ્યા છે.
દિલ્હી એસીબી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યા પછી આપએ જણાવ્યું હતું કે શાસક પક્ષ ભાજપ આપના નેતાઓને નિશાન બનાવવા માટે એસીબીનો ઉપયોગ કરી રહ્યો છે અને દાવો કર્યો હતો કે વર્ગખંડના બાંધકામમાં કોઇ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે આપની અગાઉની સરકારમાં ૩૩ વર્ષીય સિસોદીયા નાણા અને શિક્ષણ પ્રધાન હતાં અને ૬૦ વર્ષીય જૈન પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ અને કેટલાક અન્ય મંત્રાલયોના ઇનચાર્જ હતાં. આ મહિનાની શરૂઆતમાં એસીબીએ બંનેને સમન્સ પાઠવ્યા હતાં.
એસીબીએ આરોપ મૂક્યો છે કે આ પ્રોજેક્ટ પાછળ કુલ ૨૮૯૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક વર્ગખંડનો ખર્ચ ૨૪.૮૬ લાખ રૂપિયા થાય છે. સ્ટાન્ડર્ડ માપદંડો અનુસાર એક વર્ગખંડના નિર્માણ પાછળ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ હતો.








