ED Raids : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ WinZO અને GamezKraft (Pocket52) પર મોટી કાર્યવાહી કરી છે. આ કંપનીઓ બેંગલુરુ અને દિલ્હીમાંથી કાર્યરત છે. ઈડીની ટીમોએ કુલ 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં બેંગલુરુના પાંચ, દિલ્હીના ચાર અને ગુરુગ્રામના બે સ્થળોનો સમાવેશ થાય છે.
કંપનીના અધિકારીઓના નિવાસસ્થાને પણ દરોડા
ઈડીની ટીમે બેંગલુરુ ઝોનલ ઓફિસના નેતૃત્વ હેઠળ કાર્યવાહી કરી છે, જેમાં ટીમે કંપનીઓની કોર્પોરેટ ઓફિસો ઉપરાંત તેમના CEO, COO અને CFOના નિવાસસ્થાનો પર પણ ઊંડી તપાસ કરી છે.
એલ્ગોરિધમમાં ચેડાંનો આરોપ
પીડિતો દ્વારા નોંધાયેલી ફરિયાદમાં દાવો કરાયો છે કે, ખેલાડીઓ વધુ હારે તે માટે, આ ગેમિંગ એપ્સના એલ્ગોરિધમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આરોપ છે કે, યુઝર્સને સતત આર્થિક નુકસાન થાય તે મુજબની ગેમપ્લે સિસ્ટમ ડિઝાઈન કરવામાં આવી હતી.
મની લોન્ડરિંગની આશંકા
ઈડીની દરોડા કાર્યવાહીમાં કંપનીઓના પ્રમોટર્સ પાસે ક્રિપ્ટો વોલેટ્સ મળી આવ્યા છે, જેમાં ક્રિપ્ટોકરન્સીથી મની લોન્ડરિંગની પ્રવૃત્તિ થઈ હોવાની આશંકા છે. તપાસ એજન્સી હાલમાં આ તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઈડી હાલ કંપનીઓની ડિજિટલ એસેટ્સ, ફંડ ફ્લો અને એપ્સના ટેકનિકલ બાબતોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી


