Get The App

રેલવે-સેનામાં સરકારી નોકરીના નામે મોટું કૌભાંડ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં EDના દરોડા

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
રેલવે-સેનામાં સરકારી નોકરીના નામે મોટું કૌભાંડ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં EDના દરોડા 1 - image

ED Raid: દેશમાં સરકારી નોકરીના નામે ચાલી રહેલા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. EDએ આજે સવારથી ગુજરાત સહિત 6 રાજ્યોના 15 શહેરોમાં દરોડા પાડ્યા છે. EDએ આ દરોડા સરકારી નોકરીઓ આપવાના નામે ચાલી રહેલા કૌભાંડને લઈને પાડ્યા છે. આ હેઠળ એક સંગઠિત ગેંગ સરકારી નોકરીઓ આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. તેમના દ્વારા લોકોને નકલી એપોઈન્ટમેન્ટ લેટર અને કોલ લેટર વગેરે જારી કરવામાં આવી રહ્યા હતા. આ કૌભાંડ ખાસ કરીને ભારતીય રેલવે અને 40 અન્ય સરકારી વિભાગોમાં ભરતીના નામે ચાલી રહ્યું હતું. રેલવે ઉપરાંત ટપાલ વિભાગ, વન વિભાગ, કર વિભાગ, હાઈકોર્ટ, જાહેર બાંધકામ વિભાગ, બિહાર સરકાર, DDA અને રાજસ્થાન સચિવાલય વગેરેના નામ પર આ ઠગાઈ કરવામાં આવી રહી હતી. 



નકલી ઈમેલ એકાઉન્ટ બનાવીને લોકોને એપોઈન્ટમેન્ટ લેટર પણ મોકલવામાં આવતા

આ ગેંગ નકલી ઈમેલ એકાઉન્ટ બનાવીને લોકોને એપોઈન્ટમેન્ટ લેટર મોકલતી હતી. એવા ઈમેલ એડ્રેસ તૈયાર કરવામાં આવતા હતા જેને જોઈને લાગતું હતું કે, ખરેખર કોઈ સરકારી વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં લોકોને વિશ્વાસમાં લેવા માટે આ ફ્રોડ ગેંગે કેટલાક લોકોના ખાતામાં 2 થી 3 મહિનાની સેલેરી પણ મોકલી હતી. આ લોકોને RPF, TTEમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. બે થી ત્રણ મહિનાના પગારના નામે તેમને પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આના નામે તેઓ ઠગાઈ કરતા હતા. રેલવેમાં ટેકનિશિયન જેવી પોસ્ટ પર પણ આ ઠગાઈ કરવામાં આવતી હતી. 

આ પણ વાંચો: ચાંદીમાં સતત બીજા દિવસે મોટો કડાકો, ₹7800થી વધુ તૂટી, સોનું પણ ગગડ્યું, જાણો લેટેસ્ટ રેટ

ગુજરાત સહિત 6 રાજ્યોના 15 શહેરોમાં EDના દરોડા 

હાલમાં ED આ મામલે બિહાર, બંગાળ, યુપી, તમિલનાડુ, ગુજરાત અને કેરળમાં દરોડા પાડી રહી છે. આ 6 રાજ્યોના કુલ 15 શહેરોમાં EDના દરોડા ચાલુ છે. યુપીના ગોરખપુરમાં ED એ 2 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ ઉપરાંત અલ્હાબાદમાં એક અને લખનઉમાં એક સ્થળે દરોડા ચાલી રહ્યા છે. બિહારમાં  મુઝફ્ફરપુરમાં એક અને મોતીહારીમાં પણ બે સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પણ આ ગેંગના બે ઠેકાણાઓ વિશે માહિતી મળી છે. અહીં દરોડા ચાલી રહ્યા છે. આ ઉપરાંત ચેન્નાઈ અને રાજકોટમાં પણ દરોડા ચાલી રહ્યા છે. કેરળના પણ 4 શહેરોમાં EDએ દરોડા પાડ્યા છે.