(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
ગેરકાયદે મહાદેવ ઓનલાઇન બેટિંગ એપનાં મુખ્ય ફરાર
પ્રમોટરોમાંથી એક રવિ ઉપ્પલ સહિત વિભિન્ન આરોપીઓની નવેસરથી કુલ ૨૧ કરોડ રૃપિયાની
સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક
નિવેદનમાં જણાવ્યું છે.
આ કેસમાં છત્તીસગઢનાં અનેક મોટા નેતા અને અધિકારીઓ
સંડોવાયેલા છે. આ સંપત્તિ ટાંચમાં લેવા માટે ૧૦ જાન્યુઆરીએ પ્રિવેન્શન ઓફ મની
લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક પ્રોવિઝનલ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
ગયા સપ્તાહમાં ઇડીએ એપનાં અન્ય એક મુખ્ય પ્રમોેટર સૌરભ
ચંદ્રાકર અને કેટલાક અન્ય લોકોની સંપત્તિઓ ટાંચમાં લેવા માટે આ પ્રકારનો આદેશ જારી
કર્યો હતો.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નવા આદેશ હેઠળ દુબઇના
એટ્રીયા રામાં આવેલ ઉપ્પલની ૬.૭૫ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.
જે અન્ય લોકો પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ચંદ્રાકારના નજીકના
સહયોગી રજતકુમાર સિંહ પણ સામેલ છે.
ઇડીએ જણાવ્યું છે કે તેણે એપનાં વિભિન્ન પેનલોથી લગભગ ૧૫થી
૨૦ કરોડ રૃપિયા કમાવ્યા હતાં. છત્તીસગઢનાં ભિલાઇ અને દુબઇમાં આવેલ તેમની સંપત્તિઓ
ટાંચમાં લેવામાં આવી છે.
ઇડીએ વધુમાં જણાવ્યું છે કે ભારતમાં રહેતા સૌરભ આહૂજા, વિશાલ રમાની, વિનયકુમાર, હની સિંહ, લકી ગોયલ અને
રાજા ગુપ્તાની સંપત્તિઓ પણ ટાંચમાં લેવામાં આવી છે.
ઇડીએ આ કેસમાં અત્યાર સુધીમાં ૨૬૨૧ કરોડ રૃપિયાની સંપત્તિ
ટાંચમાં લીધી છે અને પાંચ ચાર્જશીટ દાખલ કરી છે અને ૧૩ લોકોની ધરપકડ કરી છે.


