Get The App

ઇડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો: સુપ્રીમ

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
ઇડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો: સુપ્રીમ 1 - image


- રાજ્ય સરકારના એકમો પર ઇડી દરોડા ન પાડી શકે: તપાસ પર સ્ટે

- ઇડીની કાર્યવાહી અસંગત અને ગેરબંધારણીય: મુખ્ય ન્યાયાધીશ ગવઈ 

- ઇડીએ રાજકીય બદલો લેવા કાર્યવાહી કર્યાનો તમિલનાડુ સરકારનો આરોપ

નવી દિલ્હી : તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોઓપરેશનના રૂ. ૧,૦૦૦ કરોડના કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા અસ્થાયી રીતે અટકાવી દેતા સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે, ઈડી તમામ હદો પાર કરી રહી છે. તપાસ એજન્સી સંઘીય માળખાનો ભંગ કરી રહી છે. સુપ્રીમે સવાલ કર્યો હતો કે, તપાસ એજન્સી કોર્પોરેશન વિરુદ્ધ ગૂનો નોંધી કેસ કેવી રીતે શકે?

તમિલનાડુની સરકારી દારૂ કંપની તસમાક (તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન) વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા પર સુપ્રીમ કોર્ટે અસ્થાયી રીતે સ્ટે મૂકી દીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ કેન્દ્રીય એજન્સીની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે, ઈડીની કાર્યવાહી અસંગત અને સંભવતઃ ગેરબંધારણીય છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. સુપ્રીમે એવો પણ સવાલ કર્યો હતો કે, સરકારી એજન્સી રાજ્ય સરકારના એકમ પર દરોડો કેવી રીતે પાડી શકે?

મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, ઈડીએ રાજ્ય સરકારના નિગમને નિશાન બનાવીને બધી જ હદો પાર કરી દીધી છે અને સંઘીય માળખાનો ભંગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર દ્વારા મંગળવારે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમમાં કરેલી અરજી પછી આ આદેશ આપ્યો છે.

તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તસમાકના કથિત રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ માટે મદ્રાસ હાઈકોર્ટે ઈડીને મંજૂરી આપી હતી. ઈડીએ તમિલનાડુમાં રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં ડિસ્ટિલરીએ દારૂના પૂરવઠાનો ઓર્ડર મેળવવા માટે અસાધારણ રોકડ આપી હોવાનો દાવો કર્યો છે. જોકે, તમિલનાડુ તરફથી કપીલ સિબલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય સરકાર અને તસમાકે રાજ્યમાં દારૂની દુકાનોને લાઈસન્સ આપવામાં કથિત ગેરરીતિઓ સામે ફોજદારી કાર્યવાહી કરતાં પગલાં લીધા છે. વર્ષ ૨૦૧૪થી દારૂની દુકાનના લાઈસન્સની ફાળવણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસોમાં રાજ્ય સરકારે ૪૧ એફઆઈઆર નોંધી છે અને હવે આ કેસમાં ઈડી કૂદી પડી અને તસમાક પર દરોડા પાડયા હતા.

તમિલનાડુ સરકારે તાસમેક પર ઈડીના દરોડા સંબંધે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું કે, તે કેન્દ્રીય એજન્સીની શક્તિઓનું અતિક્રમણ અને બંધારણનો ભંગ છે. તમિલનાડુએ ઈડી પર રાજકીય બદલો લેવાનો પણ આરોપ મૂક્યો હતો અને ઈડીના દરોડાને ગેરકાયદે ગણાવ્યા હતા. તમિલનાડુ સરકાર અને તસમાકે દલીલ કરી કે ઈડી તેના અધિકાર ક્ષેત્રની બહાર જઈ રહી છે. મહિલા કર્મચારીઓ સહિત તસમાકના અધિકારીઓ અને કર્મચારીઓએ પજવણીનો સામનો કરવો પડયો. તલાશી સમયે લાંબા સમય સુધી તેમની અટકાયત કરાયેલી હતી. તેમના ફોન અને પર્સનલ ડિવાઈસ જપ્ત કરી લેવાયા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માત્ર રાજકીય હાથો હોવાની ચર્ચા

ઈડીએ કરેલા કેસોમાં ગુનો સાબિત થવાનો દર માત્ર 1 ટકા

- ઈડી દોષ સાબિત કરી શકતી નથી, આરોપીઓને ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય : સુપ્રીમનો સવાલ

નવી દિલ્હી : દેશમાં ધારાસભ્યો, સાંસદો અને નેતાઓને દોષિત ઠેરવી સજા કરાવવાની બાબતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો કન્વિક્શન રેટ એટલે કે આરોપીઓને દોષિત ઠેરવી સજા કરાવવાનો દર માત્ર એક ટકા છે તેમ કેન્દ્ર સરકારે જ સંસદને જણાવ્યું હતું. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પણ સવાલ કર્યો હતો કે ઈડી આરોપીઓને દોષિત સાબિત કરી શકતી નથી તો તેમને કેટલો લાંબો સમય સુધી જેલમાં ગોંધી રાખી શકાય ?

દેશમાં મની લોન્ડરિંગના કેસોની તપાસ કરતી તપાસ એજન્સી ઈડી સરકારનો રાજકીય હાથો હોવાનો વિપક્ષ વારંવાર આક્ષેપ કરતો હોય છે ત્યારે ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવેલા લોકોને દોષિત ઠેરવવાની સફળતાનો ઈડીનો દર માત્ર એક ટકા છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચેના ૧૦ વર્ષમાં ઈડીએ નેતાઓ, સાંસદો, વિધાનસભ્યો વિરુદ્ધ ૧૯૩ કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર બે કેસમાં ઈડી આરોપીઓને સજા અપાવી શકી છે. આ ૧૯૩ કેસોમાંથી ૭૦ ટકા એટલે કે ૧૩૮ કેસ છેલ્લા પાંચ વર્ષમાં જ નોંધાયા છે. આ માહિતી કેન્દ્ર સરકારે પોતે જ આ વર્ષે માર્ચ મહિનામાં સંસદમાં આપી હતી. ઈડીના અત્યંત ખરાબ કન્વિક્શન રેટ અંગે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમે ઈડીને ગુણવત્તાપૂર્ણ કાર્યવાહીની સલાહ આપી હતી. વધુમાં ઈડી દ્વારા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ આવતા આરોપીઓને ટ્રાયલ વિના જ લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવતા હોય છે ત્યારે ગયા વર્ષે નવેમ્બરમાં પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થા ચેટરજીની જામીન અરજીની સુનાવણી સમયે પણ સુપ્રીમ કોર્ટે ઈડીને ખખડાવી હતી. સુપ્રીમે ટ્રાયલ વિના લાંબા સમય સુધી આરોપીઓને જેલમાં રાખવા મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ઈડી આરોપીઓ સામેના દોષ સાબિત કરી શકતી નથી તો તેમને ટ્રાયલ વિના ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય?

Tags :