ઇડીએ સ્પેનમાં રૂ. 131 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
- ફોરેક્સ ટ્રેડિંગ છેતરપિંડીનો કેસ
- ટાંચમાં લેવાયેલ સંપત્તિમાં વૈભવી યાટ, મિનિજેટ બોટ, મોંઘી કાર અને બે રેસિડેન્સિયલ પ્રોપર્ટી સામેલ
નવી દિલ્હી : અનેક રોકાણકારો સાથે છેતરપિંડી આચરવા બદલ નકલી ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ સામેના કેસમાં એન્ટી મની લોન્ડરિંગ કાયદા હેઠળ ઇડીએ સ્પેનમાં એક યાટ, એક હોડી, બે મકાનો અને અન્ય સંપત્તિ ટાંચમાં લીધી છે જેનું કૂલ મૂલ્ય ૧૩૧ કરોડ રૂપિયાનું વધુ આંકવામાં આવ્યું છે.
આ પ્લેટફોર્મનું નામ ઓક્ટાએફએક્સ છે. ફેડરલ તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી આ સંપત્તિઓ પવેલ પ્રોઝોરોવની છે. જે ઓક્ટાએફએક્સ પાછળનો માસ્ટરમાઇન્ડ છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર જારી કરીને સ્પેનમાં વૈભવી યાટ, મિનિજેટ બોટ, મોંઘી કાર અને બે રેસિડેન્સિયલ પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવી છ. આ મિલકતોની કુલ કીંમત ૧૩૧ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
પુણેના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આ એફઆઇઆરમાં કેટલાક લોકો પર ઓક્ટાએફએક્સ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ઉંચુ વળતર આપવાનું ખોટું વચન આપીને રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ઇડીના જણાવ્યા અનુસાર ઓક્ટાએફએક્સ એક બિન સત્તાવાર ફોરેક્સ બ્રોકર હતું. નકલી ઇ કોમર્સ કંપનીઓના નામે રોકાણકારોના નાણા મ્યૂલ એકાઉન્ટથી એકત્રિત કરવામાં આવતા હતાં.