India

ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

By GS TEAM
12 Mar 20262 mins read
ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૨

અનિલ ધીરૃભાઇ અંબાણી ગુ્રપ (એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણીની કંપનીઓ આરએચએફએલ અને આરસીએફએલ સામે તપાસનાં ભાગરૃપે ૫૮૧ કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક  નિવેદનમાં જણાવ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક  નિવેદનમાં જણાવ્યું છે કે ગોવા, કેરળ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ રાજસ્થાનમાં જમીનનાં પ્લોટ ટાંચમાં લેવા માટે ૧૧ માર્ચે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર આ સંપત્તિનું મૂલ્ય ૫૮૧.૬૫ કરોડ રૃપિયા છે. આ સંપત્તિ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (આરએચએફએલ) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (આરસીએફએલ) સામેની તપાસનાં ભાગરૃપે ટાંચમાં લેવામાં આવી છે.

૬ માર્ચે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ રિલાયન્સ પાવર લિમિટેડ સામેનાં કેસમાં હાથ ધરવામાં આવેલા સર્ચ આપરેશન પછી આ સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

ઇડીએ અગાઉ પણ એડીએજી કંપનીઓની સંપત્તિઓ ટાંચમાં લીધી હતી. અત્યાર સુધીમાં એડીએજી કંપનીઓની ૧૬૩૧૦ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

આ તપાસ યસ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોને આધારે સીબીઆઇએ દાખલ કરેલી એફઆઇઆરને આધારે શરૃ કરવામાં આવી છે.

ઇડીએ જણાવ્યું હતું કે એડીએજીની આ બે કંપનીઓએ વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી પબ્લિક ફંડ એકત્ર કર્યુ હતું. જે પૈકી ૧૧,૦૦૦ કરોડ રૃપિયાની લોન એનપીએ બની ગઇ હતી.