Get The App

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા 1 - image


West Bengal ED Raids: પશ્ચિમ બંગાળમાં બહુચર્ચિત કોલસા તસ્કરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતા હાઈકોર્ટમાં એક સનસનાટીભર્યો ઘટસ્ફોટ કર્યો છે. EDના દાવા મુજબ, કોલસાની ગેરકાયદે દાણચોરીમાંથી મેળવેલા 20 કરોડ રૂપિયા હવાલા નેટવર્ક દ્વારા રાજકીય સલાહકાર પેઢી I-PAC (Indian Political Action Committee)ની ગોવા ઓફિસ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ નાણાંનો ઉપયોગ 2021-22ની ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને ઈવેન્ટ મેનેજમેન્ટ માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

છ સ્તરીય હવાલા નેટવર્કનો પર્દાફાશ

અહેવાલો અનુસાર, EDની તપાસમાં બહાર આવ્યું છે કે તપાસ એજન્સીની નજરથી બચવા માટે આ નાણાં છ અલગ-અલગ તબક્કાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દિલ્હી સ્થિત એક NBFC કંપનીના પૂર્વ ડિરેક્ટરે 'મુન્ના' નામના શખસનો સંપર્ક કર્યો. મુન્નાએ હવાલા ઓપરેટર્સ દ્વારા કોલકાતાની એક ફર્મના મેનેજર સુધી નાણાં પહોંચાડ્યા. કોલકાતાની ફર્મે ગોવામાં કાર્યરત એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીને આ રોકડ સોંપી હતી. આ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ગોવા ચૂંટણીમાં I-PAC માટે પ્રચાર અને કાર્યક્રમોનું સંચાલન કરતી હતી.

EDના મતે કોલસા કૌભાંડની કુલ ગેરકાયદે આવક અંદાજે 2,742 કરોડ રૂપિયા છે, જેમાંથી એક હિસ્સો રાજકીય હેતુઓ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાને

I-PACના ડિરેક્ટરના નિવાસસ્થાને દરોડા

આ કેસના સંદર્ભમાં EDએ આઠમી જાન્યુઆરીએ દિલ્હી અને કોલકાતામાં કુલ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં I-PACના સહ-સ્થાપક અને ડિરેક્ટર પ્રતીક જૈનના કોલકાતા સ્થિત લાઉડન સ્ટ્રીટના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રતીક જૈન ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

શું છે કૌભાંડ?

આ સમગ્ર કેસનો મુખ્ય આરોપી અનુપ માજી હોવાનું કહેવાય છે. તેના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં કાર્યરત 'ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ' (ECL)ના વિસ્તારોમાંથી મોટાપાયે કોલસાની ચોરી અને ગેરકાયદે ખોદકામ કરવામાં આવતું હતું. આ ચોરાયેલો કોલસો બાંકુરા, વર્ધમાન અને પુરુલિયા જેવા જિલ્લાઓમાં ફેક્ટરીઓને વેચવામાં આવતો હતો અને તેમાંથી મળતી કાળી કમાણી રાજકીય કન્સલ્ટન્સી અને ચૂંટણીઓમાં વાપરવામાં આવી હોવાનો એજન્સીનો ગંભીર આરોપ છે.