India

ભારતમાં આર્થિક અસમાનતા વધી, એક ટકા અમીરો પાસે દેશની 40 ટકા સંપત્તિ

By GS TEAM
12 Nov 20252 mins read
ભારતમાં આર્થિક અસમાનતા વધી, એક ટકા અમીરો પાસે દેશની 40 ટકા સંપત્તિ

- બાકીના 50 ટકાને રાષ્ટ્રીય આવકનો પંદર ટકા હિસ્સો જ મળે છે

- વિશ્વ અસમાનતા અહેવાલ અનુસાર ભારતમાં મધ્યમ વર્ગ સંકોચાઇ ગયો પણ ચીનમાં મધ્યમ વર્ગ વિસ્તર્યો 

નવી દિલ્હી : દુનિયાભરના ૨૦૦થી વધારે વિદ્વાનો મળીને જેને તૈયાર કરે છે તે દર ચાર વર્ષે પ્રકાશિત થતાં વિશ્વ અસમાનતા અહેવાલ ૨૦૨૬ અનુસાર ભારતમાં આવકની અસમાનતા દુનિયામાં સૌથી વધારે જોવા મળે છે. આ અહેવાલ અનુસાર ભારતમાં એક ટકા અમીરો પાસે દેશની કુલ સંપત્તિનો ૪૦ ટકા હિસ્સો છે. બાકીના ૫૦ ટકા લોકો પાસે માત્ર ૬.૪ ટકા સંપત્તિ છે. આ સ્થિતિમાં સુધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે. અર્થશાસ્ત્રીઓ લુકાસ ચેન્સેલ, રિકાર્ડો ગોમેઝ કારેરા, રોવાઇદા મોશ્રિફ અને થોમસ પિકેટ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલની પ્રસ્તાવના ભારતના અર્થશાસ્ત્રીઓ જયતિ ઘોષ અને જોસેફ સ્ટિગ્લિત્ઝે લખી છે. 

 આ અહેવાલ અનુસાર ભારતમાં દરેક વ્યક્તિની સરેરાશ આવક ૬૨૦૦ યુરો છે અને સરેરાશ સંપત્તિ ૨૮,૦૦૦ યુરો છે. માત્ર ૧૫.૭ ટકા મહિલાઓ જ નોકરી યા બિઝનેસમાં સક્રિય છે. છેલ્લા દસ વર્ષમાં આ સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. 

આ અહેવાલ અનુસાર ભારતમાં ૧૯૮૦માં ૪૦ ટકા કરતાં વધારે વસતી મધ્યમ વર્ગમાં આવતી હતી. આજે મધ્યમ વર્ગ સંકોચાઇ જતાં લગભગ ૫૦ ટકા વસતી નિમ્ન વર્ગમાં આવે છે. બીજી તરફ ચીનમાં મોટાભાગની વસતી એટલે કે ૪૦ ટકા મધ્યમ વર્ગમાં પહોંચી છે. ૨૦૧૪ અને ૨૦૨૪ દરમ્યાન ટોચના દસ ટકા અને નીચલા ૫૦ ટકા વચ્ચે આવકનું અંતર વધ્યુ છે. અગાઉ આ ફરક ૩૮ ટકા હતો તે હવે વધીને ૩૮.૨ ટકા થયો છે. 

દુનિયામાં પણ અસમાનતમાં મોટો વધારો થયો છે. દુનિયાની કુલ સંપત્તિમાં  ઐતિહાસિક વધારો થયો છે પણ મોટાભાગનો હિસ્સો બહું ઓછાં લોકોના હાથમાં છે.

 દુનિયામાં માત્ર ૬૦,૦૦૦ લોકો પાસે જેટલી સંપત્તિ છે તે બાકીના અડધાં લોકોની સંપત્તિ કરતાં ત્રણ ગણી વધારે ેછે. ૧૯૯૫માં અમીરોની સંપત્તિ ૩.૮ ટકા હતી જે ૨૦૨૫માં વધીને ૬.૧ ટકા થઇ ગઇ છે. 

બીજી તરફ દુનિયાના ગરીબોની સંપત્તિ છેલ્લા ૨૦ વર્ષથી લગભગ બે ટકા પર જ અટકેલી છે. 

આ ત્રીજો વિશ્વ અસમાનતા અહેવાલ છે. અગાઉ ૨૦૧૮ અને ૨૦૨૨માં આ અહેવાલ પ્રકાશિત થયા હતા. વર્લ્ડ ઇનઇકવાલિટી લેબ દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં આવે છે. લેબના કો-ડાયરેકટર થોમસ પિકેટ્ટીએ જણાવ્યું હતું કે આ અહેવાલ રાજકીય સ્થિતિ પડકારભરી છે ત્યારે પ્રકાશિત થઇ રહ્યો છે પણ તેને કારણે તે વધારે આવશ્યક બની રહ્યો છે.