કર્ણાટકમાં બોલ્યા સોનિયા ગાંધી ને ફસાયા ખડગે, ચૂંટણી પંચે નોટીસ આપીને માગ્યો ખુલાસો
સોનિયા ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરીને ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને શિક્ષાત્મક પગલાં લેવાની વિનંતી કરી હતી
ભાજપે કેન્દ્રીય ચૂંટણી પંચને સોનિયા ગાંધી સામે પગલાં લેવા અને તેમની પાર્ટીની માન્યતા રદ કરવા વિનંતી કરી
Updated: May 8th, 2023
નવી દિલ્હી, તા.8 મે-2023, સોમવાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચે નોટિસ આપી છે. સોનિયા ગાંધીના ‘સાર્વભૌમત્વ’ વાળા નિવેદન પર ખડગેને નોટીસ જારી કરાઈ છે. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના ટ્વિટર હેન્ડર પર સોનિયા ગાંધીનું ‘સાર્વભૌમત્વ’ વાળું નિવેદન પોસ્ટ કર્યું હતું. ત્યારબાદ ચૂંટણી પંચે ખડગે પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું અથવા રેક્ટિફાઈ કરવા કહ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ રાજકીય પક્ષો દ્વારા કરાયેલા શપથનું ઉલ્લંઘન છે. ભાજપે ફરિયાદ કર્યા બાદ ચૂંટણી પંચે આ નોટિસ જારી કરી છે.
બીજી તરફ કોંગ્રેસે સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે, ખડગે, તેમની પત્ની અને તેમના સમગ્ર પરિવારની હત્યાનું ષડયંત્ર રચાયું છે. જ્યારે ભાજપે તેનો ઈનકાર કર્યો હતો. રણદીપ સિંહ સુરજેવાલાએ 10મી મેની ચૂંટણીના થોડા દિવસો પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં એક ઓડિયો રેકોર્ડિંગ રજુ કર્યું હતું, જેમાં કલબુર્ગી જિલ્લાની ચિત્તપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડ કન્નડમાં એવું કહેતા સંભળાય છે કે, તેઓ ‘ખડગે, તેમની પત્ની અને બાળકોનો સફાયો કરી દેશે.’
ભાજપે માન્યતા રદ કરવાની માંગ કરી
ભાજપે સોમવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક માટે ‘સાર્વભૌમત્વ’ શબ્દનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવા અને તેમની પાર્ટીની માન્યતા રદ કરવાની માગણી કરીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળ ભાજપના પ્રતિનિધિમંડળે આ મુદ્દે પંચને એક આવેદન આપ્યું હતું. પાર્ટીએ કહ્યું કે, કર્ણાટક ભારત સંઘમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સભ્ય રાજ્ય છે અને ભારતીય સંઘના સભ્ય રાજ્યની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટેનો કોઈપણ આહવાહન અલગતાના આહવાહન સમાન છે અને આ બાબત ખતરનાક અને ઘાતક પરિણામોથી ભરેલું છે.
કોંગ્રેસે કર્યું હતું ટ્વીટ
શનિવારે હુબલીમાં ચૂંટણી રેલીમાં સોનિયા ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે એક ટ્વીટમાં કહ્યું હતું કે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષે ‘6.5 કરોડ કન્નડ લોકોને કડક સંદેશ આપ્યો છે’. પાર્ટીએ તેમની તસવીર પણ શેર કરી, જેમાં તેઓ જાહેર સભાને સંબોધતી કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતા માટે જોખમ ઊભું કરવા દેશે નહીં.